“વો કૌન થી ? જેવા સર્જાયા ભેદભરમ !!
પેટા
અખબારી અહેવાલો બાદ સાંજના 5થી 10 વાગ્યા સુધી ચાલતો બાયોડિઝલનો વેપલો ? નવા જિલ્લા કલેકટર માટે બાયોડિઝલ વેચાણ પર બ્રેક મારવા પ્રતિષ્ઠાનો સવાલ
જેતપુરથી ગોંડલ સુધીના રોડ પર ચાલતા બાયોડિઝલના વેપલાને જાણે પુરવઠા તંત્રના એક મેડમે અભેદ સુરક્ષા બક્ષી દીધી હોવાના આક્ષેપો બજારમાં ફરતા થયા છે. બાયોડિઝલ બાબતે જ્યારે પણ ફરિયાદો ઉઠે ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ તપાસ કરવા અને દરોડા પાડવા દોડે છે પણ બાયોડિઝલના ધંધાર્થીઓ મેડમ સાથે વાત થઈ ગઈ છે તેટલું બોલે ત્યાં જ તપાસ કરવા ગયેલા સત્તાધીશો નીચી મુંડીએ પાછા ફરતા હોવાના આક્ષેપોનું વજૂદ તપાસવું હવે નવા રાજકોટ જિલ્લા કલેકટર માટે પડકારરૂપ હોવાનું કહેવાય છે.
જાણકારોનો આક્ષેપ છે કે જેતપુરથી ગોંડલ સુધીના રોડ પર અને ગોંડલમાં અમુક જગ્યાએ બેરોકટોક બાયોડિઝલનો વેપલો પુરબહારમાં ચાલી રહ્યો છે. આ વાતના અખબારી અહેવાલો વહેતા થતાં હવે બાયોડિઝલ વેચતા વિક્રેતાઓએ વેંચાણનો સમય આખો દિવસ ને બદલે સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો કરી નાખ્યો છે. કારણકે આ સમય દરમિયાન લાંબા રૂટના વાહનો બસ, ટ્રકો ચાલતા હોવાથી વિક્રેતાઓને પૂરતો વકરો થઈ જાય છે.
કોઈ પણ માણસ પોતાના પેટ, ગુજરાન ચલાવવાનો કોઈ પણ ધંધો કરતો હોય છે, આ વાતમાં બાધારૂપ થવું અયોગ્ય છે. પણ જે તે વાહનોના એંજિનની આવરદા ઘટાડી નાખે તેવા બાયોડિઝલના વેચાણ પર તો ભૂતકાળમાં સરકારે જ પ્રતિબંધ લાદયો હોવાનું જગજાહેર છે. અને ભૂતકાળમાં રાજકોટ જિલ્લા કલેકટર મહેશ બાબુ સાહેબે આ મુદ્દે આક્રમકતા દાખવીને ઘણી જગ્યાએ બાયોડિઝલનો વેપલો બંધ કરાવી દીધાનું ઉદાહરણ પણ જાણકારોના મતે તાજ્જુ છે. છતાં જેતપુર-ગોંડલ વચ્ચે આ પ્રકારનું બાયોડિઝલનું વેંચાણ ફરી ધમધમવા લાગ્યું છે તે પણ સરાજાહેર હોવાના આક્ષેપો થયા છે.
આ રહ્યા બાયોડિઝલ વેંચતા વિસ્તારો
રાજકોટ : ઘણી વખત દારૂ, જુગાર સહિતની કોઈ અનૈતિક પ્રવુત્તિઓ ચાલતી હોવાના અખબારી અહેવાલો વહેતા થાય એટલે જેઓની જવાબદારી હોય તેવા સરકારી અધિકારીઓ અને તેઓના સ્ટાફમાં બે પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. 1 કોઈએ ફરિયાદ કરી નથી. 2 કયા ચાલતા હશે આવા ધંધા ? ત્યારે સરકારી તંત્રની આવી માનસિકતાને જાણી, પારખી ગયેલા જાણકારો એવી પણ ચર્ચાઓ અને આક્ષેપો કરતાં સાંભળવા મળ્યા છે કે જેતપુર, કાગવડ, ગોમટા ફાટક, ચોરડી, જામવાડી, આશાપુરા ચોકડી અને ગોંડલમાં અમુક વિસ્તારોમાં ધમધમી રહ્યા છે બાયોડીઝલના હાટડા. કદાચ આ વાતમાં થોડીઘણી વિગતો કે આક્ષેપો ખોટા હોય શકે પણ સમૂળગા આક્ષેપો ખોટા ન જ હોય તેવું માનીને સંબંધિત તંત્રે આ વાતની તપાસ કરવી જોઈએ તેવું કહેવું અનુચિત નથી.
બોક્સ : લાખો રૂપિયા ઉઘરાવતા મેડમને કોની “ઢાલ” ? તપાસનો વિષય
રાજકોટ : એક એવી પણ લોકચર્ચા છે કે જો બાયો ડીઝલના પંપે કોઈ અધિકારી તપાસ કરવા આવે કે જાય તો એવું કહેવામાં આવે છે કે મેડમ સાથે વાત થઈ ગઈ છે. એટલે અધિકારી પરત વળી જાય છે ! ત્યારે હવે આ મેડમનો પર્દાફાશ થવો જરૂરી હોવાનું જાણકારો કહે છે. ગોપનીય વર્તુળો એવું પણ શોધી લાવ્યા છે કે આ બાયોડીઝલના હપ્તાની જો વાત કરવા જઈએ તો કોઈના ત્રણ લાખ કોઈના ચાર લાખ ને કોઈના પાંચ લાખ જેવો હપ્તો આ મેડમને પહોંચાડાતો હોવાનો આક્ષેપ થયો છે. હાલ મેડમ અંગત કારણોસર લાંબી રજા પર ઉતરી ગયાનો પણ આક્ષેપ છે. ત્યારે હવે ગાંધીનગર ખાતેથી રાજ્યનું પુરવઠા તંત્ર આવા આક્ષેપોની તપાસમાં કે દરોડા પાડવા ઝૂંકાવશે કે કેમ ? તે સમય જ બતાવશે.