શ્રીમદ ભગવદ ગીતાના આઠમા અધ્યાય અક્ષરબ્રહ્મયોગમાં અર્જુન ભગવાનને સાત પ્રશ્નો પુછે છે. બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદૈવ શું છે? અધિયજ્ઞ શું છે? અને પ્રયાણકાળે ઇશ્વરને કેવી રીતે જાણી શકાય? આ સાત પ્રશ્નોના જવાબ આપવામાં આ અધ્યાય પૂરો થાય છે.આ અધ્યાયમાં પ્રયાણકાલની વાત સૌના માટે વધુ ઉપયોગી બતાવી છે.મરણપથારીએ પડેલા માણસ આગળ આ અધ્યાય વાંચવો જોઈએ અથવા મૃત્યુ પછી શાંતિપાઠ માટે આ અધ્યાયનો પાઠ કરવો જોઈએ.
ભગવાન કહે છે કે જે મનુષ્ય અંતકાળમાં પણ મારૂં સ્મરણ કરતો રહીને શરીર છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે એમાં સહેજ પણ સંશય નથી.આ મનુષ્યને જીવનમાં સાધન ભક્તિ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો અવસર આપ્યો હતો પરંતુ તેને કંઇ કર્યું જ નહી.હવે બિચારો આ મનુષ્ય અંતકાળમાં બીજું સાધન કરવામાં અસમર્થ છે એટલા માટે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતના માધ્યમથી મને જાણીને યાદ કરી લે તો તેને મારી પ્રાપ્તિ થઇ જશે.સાંભળવા,સમજવા અને માનવામાં જે કંઇ આવે છે તે બધું મારૂં સમગ્રરૂપ છે.આથી જે તેને મારૂં જ સ્વરૂપ માનશે તેને અંતકાળમાં પણ મારૂં જ ચિંતન થશે.
ભગવાને એક વિશેષ છુટ આપી છે કે મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય,ગમે તેવું જીવન વિત્યું હોય પરંતુ અંતકાળે તે ભગવાનને જાણીને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જશે કારણ કે ભગવાને જીવનું કલ્યાણ કરવા માટે જ મનુષ્ય શરીર આપ્યું છે.આથી દરેક મનુષ્યને માટે સાવધાન થવાની જરૂર છે કે તે પ્રત્યેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરે,એક ક્ષણ પણ ખાલી ના જવા દે કેમકે અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે.વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે.એવું કાંઇ નક્કી નથી કે આટલા વર્ષો,આટલા મહિનાઓ અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે.અનુભવ તો એવો છે કે ગર્ભમાં જ કેટલાક બાળકો મરી જાય છે,કેટલાંક જન્મતાં જ મરી જાય છે.આ રીતે મૃત્યુની ગતિ હર ઘડી ચાલી રહી છે.આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ.
જે વ્યક્તિએ જીવનભર ભજન સેવા સુમિરણ ના કર્યું હોય,ભગવાનથી વિમુખ રહ્યો હોય તેને અંતકાળે ભગવાનનું સ્મરણ કેવી રીતે થશે? એનું સમાધાન એ છે કે અંતસમયે તેના ઉપર ભગવાનની કોઇ વિશેષ કૃપા થઇ જાય,તેને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સંતનાં દર્શન થઇ જાય એક પ્રભુ પરમાત્માનું જ્ઞાન મળી જાય તો તેનું કલ્યાણ થઇ જાય છે.મરણાસન્ન મનુષ્યને ગીતામાં રસ હોય તો તેને ગીતાનો આઠમો અધ્યાય સંભળાવવો જોઇએ કેમકે તેમાં જીવની સદગતિનું વર્ણન છે.
અંતકાળે જેઓ મારૂં સ્મરણ કરે છે તેઓ તો મને જ પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ મારૂં સ્મરણ ન કરીને અન્ય કોઇનું સ્મરણ કરે છે તેઓની શું ગતિ થાય છે? તેનો જવાબ આપતાં ભગવાન કહે છે કે મનુષ્ય અંતકાળે જે જે ભાવોનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે છે,સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને તેને જ પ્રાપ્ત થાય છે એટલે કે તે તે યોનિઓમાં ચાલ્યો જાય છે.જેવી રીતે કૂતરાને પાળનારો કોઇ મનુષ્ય અંતસમયે કૂતરાને યાદ કરતો કરતો શરીર છોડે તો તેનું માનસિક શરીર કૂતરાનું થઇ જાય છે જેનાથી તે ક્રમશઃ કૂતરાની યોનિમાં જન્મ લે છે.આમ અંતકાળે જેનું સ્મરણ થાય છે તેના અનુસાર જન્મ લેવો પડે છે પરંતુ તેનો અર્થ એવો નથી કે મકાનને યાદ કરતા રહીને શરીર છોડવાથી મકાન બની જશે,ધનને યાદ કરતા રહીને શરીર છોડવાથી ધન બની જશે વગરે..પરંતુ મકાનનું ચિંતન થવાથી એ તે મકાનમાં ઉંદર ગરોળી વગેરે બની જશે,ધનનું ચિંતન કરવાથી તે સાપ બની જશે.અંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓના માટે જ છે.
મનુષ્ય સિવાયના પ્રાણીઓને પોત પોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તે અનુસાર તેમનો આગળનો જન્મ થાય છે.અંતકાલિન ચિંતન અને તેના અનુસાર ગતિને એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ..એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે ફોટો સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃ ફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને કે કદાચ ફોટામાં એવું ન આવી જાય તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી. આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.
જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કેઃ મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકે સિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.
અંતકાળમાં મનુષ્ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત થાય છે.આને જ વિષયરૂપી કૂં૫ળોનું ફુંટવું કહે છે.કૂં૫ળોની જેમ વિષયો ૫ણ દેખાવમાં ખુબ જ સુંદર પ્રતિત થાય છે,જેથી મનુષ્ય તેમાં આકર્ષિત થઇ જાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર..નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે,એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે.વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે,કેમ કેઃ વિષ તો ખાવાવાળાને જ મારે છે,પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.
અંતકાળમાં બે યમદૂતો આવે છેઃ પાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.
પ્રત્યેક પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.મનુષ્ય જ્યારે પ્ર્રવાસમાં જાય છે ત્યારે અગાઉ કેટલાય દિવસોથી તૈયારી કરે છે પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.
અંતકાળમાં હરિ લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ “હાય હાય”કરવાનું છોડી દઈને “હરિ હરિ” કરવાની ટેવ પાડો.જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે.શરીર બગડ્યા પછી કંઈ નહિ થાય.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)