Gujarat

રામનામનો મહિમા

જે વસ્તુ ના દેખાય તેનું નામ પકડી રાખો તો નામમાંથી સ્વરૂપ પ્રગટ થશે.સ્વરૂપ નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો,તેમના નામનો આશ્રય કરો એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે કે ઝાડના પાંદડે પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું નામ સ્મરણ કરે છે પરંતુ કળિયુગના માણસની વિધિ વિચિત્રતા જુઓ કે તેને પ્રભુના નામમાં પ્રીતિ થતી નથી.પ્રભુનામમાં પ્રીતિ ના થાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી.પ્રભુનામમાં નિષ્ઠા થવી કઠણ છે.પૂર્વજન્મના કોઈ સંસ્કારોને લીધે પ્રભુનામમાં નિષ્ઠા થતી નથી અને નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે.

માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે. જીભ નિંદા કરે છે, જીભ પોતાના વિષે વ્યર્થ ભાષણ કરે છે એટલે જીભથી પરમાત્માના નામનો જપ થતો નથી.પાપ જીભને પકડી રાખે છે. ક્ષણે ક્ષણે ભગવાનનું નામ લેવું સુલભ છે પણ માનવથી આ થતું નથી.નામમાં દ્રઢ નિષ્ઠા રાખો.નામ નિષ્ઠા થાય તો મરણ સુધરે છે.બ્રહ્મમાં નિષ્ઠા અંતસમય સુધી ટકવી મુશ્કેલ છે.

સગુણ-નિર્ગુણ બ્રહ્મ કરતાં નામ-બ્રહ્મ કળિયુગમાં શ્રેષ્ઠ છે માટે મનને સતત પ્રભુના નામ સુમિરણમાં રાખવું જોઈએ.પરમાત્માના નામનો જે સતત જપ કરે છે તેનો બ્રહ્મ સાથે સંબંધ થાય છે.પાપના સંસ્કાર અતિશય દ્રઢ હોવાથી પાપ છૂટતું નથી.મનુષ્ય થોડો સમય ભક્તિ કરે છે અને પાપ પણ ચાલુ રાખે છે.પાપ છુટે એવી ઈચ્છા હોય તો પરમાત્માના નામનું સુમિરણ કરો.સુમિરણ કરવાથી માનવમાં પરમાત્માની દિવ્ય શક્તિ આવે છે.પરમાત્માના નામમાં બહુ શક્તિ છે.રામનામથી પથ્થર તરી ગયા છે પણ રામે નાખેલ પથ્થર ડૂબી ગયા હતા.

રામાયણમાં કથા આવે છે એક વખત ભગવાન રામચંદ્રજીને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તરે છે અને વાનરો સમુદ્ર પર સેતુ બાંધી રહ્યા છે તો હું પણ તેમને મદદ કરૂં.મારા નામથી પથ્થર તરે છે તો જો હું પથ્થર નાખું તો શું તે નહિ તરે? ચાલ ખાતરી કરી જોઉંતેઓ કોઈ ન દેખે તેમ દરિયા કિનારે આવ્યા છે અને પોતે પથ્થર ઊંચકીને દરિયામાં નાખ્યો તો પથ્થર ડૂબી ગયો.રામચંદ્રજીને આશ્ચર્ય થયું કે આમ કેમ બન્યું? પત્થર ઉપર મારૂં નામ લખવાથી પથ્થરો તરે છે અને હું નાખું તો કેમ ડુબી જાય છે !

આ બાજુ રામજી દેખાયા નહિ એટલે તરત જ હનુમાનજી તેમને ખોળવા નીકળ્યા.દરિયા કિનારે રામજીને જોયા.હનુમાનજી વિચારે છે કે પ્રભુ એકલા શું કરતા હશે? હનુમાનજી માલિક પર નજર રાખી રહ્યા છે.રામજીએ બીજો પથ્થર નાખ્યો તે પણ ડૂબી ગયો.રામજીને દુઃખ થયું નારાજ થયા છે,પાછળ દ્રષ્ટિ ગઈ તો હનુમાનજી..! આ અહીં ક્યાંથી આવ્યો? બધું જોઈ ગયો હશે? તેમણે પૂછ્યું તું અહીં ક્યારથી આવ્યો છે? હનુમાનજી કહે છે તમે પહેલો પત્થર નાખ્યો ત્યારથી હું તમારી પાછળ ઉભો છું કેમકે મારા માલિક જ્યાં જાય ત્યાં મારે આવવું જ જોઈએ.

રામજીએ પૂછ્યું મારા નામે પથ્થરો તર્યા અને મેં જે નાખ્યા તે ડૂબી ગયા આમ કેમ? હનુમાનજીનો અવતાર રામજીને રાજી રાખવા માટે છે.રામજીને ઉદાસ જોઈ હનુમાનજીને દુઃખ થયું એટલે તે બોલ્યા કે જેનો આપ ત્યાગ કરો તે ડૂબી જ જાય ને? જેને રામજી અપનાવે તે ડૂબે નહિ.પથ્થરોનો આપે ત્યાગ કર્યો એટલે તે ડૂબી ગયા.જે પથ્થરો વડે સેતુ બાંધવામાં આવી રહ્યો છે તેના પર રામનામ લખવામાં આવેલું તેથી તે તર્યા.આ સાંભળી રામજી બહુ પ્રસન્ન થયા.હનુમાનજીની બુદ્ધિના બહુ વખાણ કર્યા.બુધ્ધિમતાં વરિષ્ઠ તે પછી હનુમાનજી બોલ્યા કે પ્રભુ..આ તો આપને પ્રસન્ન કરવા મેં તેમ કહ્યું પણ હકીકતમાં તો તમારા નામમાં તમારા કરતાંયે વધુ શક્તિ છે.તમારા નામમાં જે શક્તિ છે તે તમારા હાથમાં નથી તેથી તુલસીદાસજી લખે છે કે કલિયુગ કેવલ નામ આધારા સુમર સુમર નર ઉતરત ભવપારા..

 

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *