સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ઘણીવખત માનવીની નાની નાની ભૂલ મૂંગાજીવનો જીવ પણ લઈ શકે છે. હા, વાઈલ્ડ લાઈફ જીવન જીવતાં પશુઓ સિવિલ સોસાયટીમાં પ્રવેશે અને માનવજાતને કોઈ જફા પહોંચાડે તો તુરંત સમાજ દ્વારા હંગામો મચાવવામાં આવે છે અને તેનાં પ્રત્યાઘાત રૂપે તુરંત જ વન વિભાગ સક્રિય થઈ જાય છે અને તેવાં વન્ય પશુઓને યુધ્ધના ધોરણે પિંજરામાં કેદ કરીને યોગ્ય સ્થાને પહોંચાડી દેવામાં આવે છે. પરંતુ માનવજાત જંગલ પરિભ્રમણ કરવા જાય ત્યારે બેદરકાર થઈને પ્લાસ્ટિક કે અન્ય જંગલી પ્રાણીઓને માટે જોખમી ખાદ્ય પદાર્થો જ્યાંત્યાં એ વિરાન જંગલમાં ફેંકી દે છે.. ખાસકરીને તૃણભક્ષી પ્રાણીઓ તો કોઈ ખાદ્ય પદાર્થ સમજી તેને આરોગે છે અને ઘણીવખત તો આવી પરિસ્થિતિમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માઠી દશા આવા ખાદ્ય પદાર્થોના સેવનથી થતી જોવા મળે છે.
કુદરતી રીતે જોવા જઈએ તો જંગલ એ માત્ર વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ત્યાં નેસડામાં વસતાં લોકો માટે જ હોય શકે. નહીં કે શહેર કે વિદેશી પ્રવાસીઓ માટે..પરંતુ આપણે તો રહ્યાં માનવ એટલે જંગલની સહેલગાહ એક ટુરિઝમ તરીકે પણ કરીએ છીએ.. વિષય મનોમંથનનો છે જંગલને જંગલ જ રહેવા દઈએ અને પ્રકૃતિને પ્રાકૃતિક રીતે ખિલવા દઈએ.. નથી જોઈતું એવું ટુરીઝમ જે વન્ય પ્રાણીઓને તકલીફ પહોંચાડે
આમ માનવી જંગલમાં આવીને વન્ય જીવનને તકલીફ આપે કે પ્રકૃતિને છંછેડે તો તેના માટે શું ??વન્ય જીવને પ્રાકૃતિક રીતે વિહરવાનો વન્ય જગતનો પણ અધિકાર છે કે નહીં? અહીં પ્રસ્તુત પ્રતિકાત્મક તસવીરના સૂચિતાર્થ પણ ઘણું કહી જાય છે.


