Gujarat

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પાંચમો દિવસ

*યાત્રિકો થાકની પરવા કર્યા વિના અદમ્ય ઉત્સાહ સાથે પરિક્રમા કરતા લાખો માઇભક્તો: આજદિન સુધી ૩.૧૯ લાખ યાત્રાળુઓએ પરિક્રમા કરી*
*અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરી ધન્ય બનતા લાખો યાત્રિકો*
           વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી માઇભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે. તા.૧૨ મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”ના પાંચમા દિવસે પણ શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ ભક્તિભાવપૂર્વક પરિક્રમા કરી રહ્યો છે. આજે પાંચમા દિવસ સાંજે – ૪.૦૦ વાગ્યા સુધી ૩.૧૯ લાખ યાત્રાળુઓએ શ્રી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ઉનાળાની શરૂઆત સાથે ગરમી પણ પડવા લાગી છે પરંતુ માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવતા માઇભક્તો કંટાળ્યા વગર થાકની પણ પરવા કર્યા વિના અદમ્ય ઉત્સાહ સાથે પરિક્રમા કરી રહ્યા છે. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો લ્હાવો મળતા લાખો યાત્રિકો ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
        શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરનાર સાબરકાંઠાના પ્રાંતિજના વતની શ્રી રસીકભાઇ દેવાભાઇ પટેલે જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એક અનેરો લ્હાવો છે. ગુજરાત સરકાર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણા લોકલાડીલા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે એક જ સ્થળે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાવી લાખો માઇભક્તોને એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લાભ આપ્યો છે એ બદલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું.
       સુરતથી આવેલ શ્રધ્ધાળુ મનીષભાઈ ઈશ્વરભાઈ પટેલે ખૂબ આનંદ સાથે જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યો અને દેશની બહાર બીજા દેશોમાં ૫૧ શક્તિપીઠો આવેલા છે. જે તમામના દર્શન કરવા શક્ય નથી ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં અંબાજીમાં ૫૧ શક્તિપીઠોનું એક જ સ્થળે નિર્માણ કરી માઇભક્તોને દર્શનનો લાભ આપ્યો છે. અહીં પાણી, સ્વચ્છતા, લાઇટિંગ, સેવા સુરક્ષા સહિતની બહુ સરસ વ્યવસ્થાઓ છે. દર્શનની સરસ વ્યવસ્થા સાથે પોલીસ તંત્રની સેવા સુરક્ષા સરસ છે. એસ.ટી તંત્ર દ્વારા પણ ફ્રી સેવા આપવામાં આવી રહી છે અને સ્વંયમ સેવકોનો પ્રતિસાદ પણ સરસ મળે છે.
      મહેસાણાથી આવેલ મનોજભાઈ લવજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ધન્ય છે હીરા માં ના દીકરા નરેન્દ્રભાઈ ને કે એમણે આવી સગવડ ઉભી કરી. અમે ગયા વર્ષે પણ પરિક્રમા કરવા આવ્યા હતા. અને આ વર્ષે પણ આવ્યા છીએ. ૫૧ શક્તિપીઠના દર્શન કરવા એશિયા ખંડમાં જઇ શકીએ એમ નથી ત્યારે એક જ સ્થળે આ સુવિધાનો લાભ મળ્યો છે. અમે પણ પરિવાર સાથે આ યાત્રાનો લાભ લીધો છે. ચા, નાસ્તાની પણ સરસ સગવડ છે એમ કહી  સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને સુંદર આયોજન બદલ ધન્યવાદ આપ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20230216-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *