મહાશિવરાત્રીના મેળામાં સોરઠ સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ ઉજાગર થાય છે. ખાસ કરીને સેવા અને સદાવ્રતનું આગવું મહત્વ રહેલું છે. અહીંના સાધુ-સંતોએ પણ દુઃખીયા-ગરીબોની સેવા-ભોજન માટે આહેલક જગાવી હતી. તેને આજે જુદા-જુદા ઉતારા મંડળો આગળ ધપાવી રહ્યા છે.
મહાશિવરાત્રીના મેળામાં આશરે ૧૧૫ વર્ષથી ધોરાજીના સંત રત્ના બાપાની હયાતીથી આજે તેમની ચોથી પેઢીએ પ્રફુલદાસ બાપુ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. તેઓ કહે છે કે, આ શિવરાત્રીના મેળાના દીપમાં સેવાના માધ્યમથી દિવેલ પૂરી રહ્યા છીએ. આજે અહીંયા 300થી વધુ સ્વયંસેવકો અવિરત સેવા આપી રહ્યા છે. સર્વેના સાથ સહકારથી સેવા કાર્ય આગળ વધી રહ્યું છે. અહીંયા દરરોજ ચણાના લોટના લાસા લાડવાની સાથે જુદા-જુદા દિવસે ચૂરમાના લાડુ, મોહનથાળ, જાંબુ, માંડવી પાક, ગાજરનો હલવો જેવી મીઠાઈ પીરસવામાં આવશે. ઉપરાંત આ અન્નક્ષેત્ર ભાવિકોને પ્રસાદ લેવા માટે ૨૪ કલાક ખુલ્લું રહે છે.
તેઓ વધુમાં કહે છે કે, મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર શરૂ કરવા માટે એકાદ મહિના અગાઉ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ વખતે ૨૦ ડબા તેલ, ૧૦ ડબા શુદ્ધ ઘી, ૫૦ કટા ચણાનો લોટ, ૪૦ કટા ઘઉંનો લોટ, ૩૦ કટા બાજરાનો લોટ, ૨૦ કટા ખીચડી અને ૨૦ કટા ભાત વગેરે લાવી પહેલેથી રાખી દેવામાં આવી આવે છે. ઉપરાંત શાકભાજી સહિતની સામગ્રી લાવવામાં આવે છે.


