જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
***
માતર, મહુધા, મહેમદાવાદ અને કપડવંજના ધારાસભ્યશ્રીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સંકલન કરવામાં આવ્યું
***
જિલ્લા કલેકટર શ્રી કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં તથા જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, મહુધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહીડા તથા કપડવંજના ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા દ્વારા તેમના વિસ્તારના વિકાસલક્ષી કામો સંદર્ભે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ માર્ગ અને મકાનના કામો, એસ. ટી બસોની નિયમિતતા, જમીન સંપાદન, સ્વચ્છતા, સિંચાઇના કામો, વીજ પુરવઠા અંગેના પ્રશ્નોના સંબધિત વિભાગના ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણી દ્વારા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને ધારાસભ્યોના સંકલનમાં રહી જિલ્લાના તમામ નાગરિકના હિત માટેની કાર્યવાહી કરવા અને સહકારાત્મક અભિગમ કેળવવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત જિલ્લાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
