સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આમ પણ ચોમાસાના ચાર મહિના એટલે ધાર્મિક તહેવારોની વણઝાર. ગણેશચતુર્થી, અષાઢી બીજ, ગુરૂ પૂર્ણિમા બોળ ચોથ નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, સંવત્સરી, નવરાત્રિ, રેંટિયા બારશથી દિવાળી સુધી માત્ર અને માત્ર તહેવારોની મોસમ જોવા મળે છે. અષાઢ વદ પાંચમ એટલે રધુવંશી સમાજને માટે નાગપંચમીનો તહેવારનો દિવસ. આ દિવસે સમગ્ર સાવરકુંડલાનાં રધુવંશી મહિલાઓ નાગ પૂજન માટે જરૂરી પ્રસાદ સામગ્રી સાથે સમાજનાં નિશ્ર્ચિત પૂજા સ્થાને ધાર્મિક વિધિ મુજબ નાગ દેવતાનું ખૂબજ ભક્તિભાવથી પૂજન અર્ચન કરતાં હોય છે આ પ્રસંગે ફણગાવેલાં મગ, ચણા અને બાજરીનો પ્રસાદ પણ ધરવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગદેવતા ( નાગદેવતાનું ચિત્રણ કરેલું હોય તે સ્થાને )ને ખૂબ જ આસ્થાપૂર્વક દૂધ પીવડાવવામાં આવે છે. આ દિવસે લોહાણા સમાજની મહિલાઓ ઘઉંની બનાવટની ખાદ્ય સામગ્રી આરોગવાનું નિષેધ સમજે છે અને આ દિવસે દુધનો પણ ખાદ્ય પદાર્થ તરીકે નિષેધ માનવામાં આવે છે. આથી મહિલાઓ નાગપંચમીના દિવસે આ બંને ખાદ્ય પદાર્થોનું સેવન ન કરીને આ પર્વ ઉજવે છે. આ નાગપંચમીના દિવસે એક ટંક ઠંડું ભોજન લે છે અને જગતને વિષરહિત કરવાની પ્રાર્થના પણ કરતાં હોય છે. આ પ્રસંગે નાગ દેવતાને લગતી ધાર્મિક વાર્તાનું શ્રવણ પણ સમૂહમાં કરતાં હોય છે. આમ પણ નાગ દેવતા અર્થાત્ શેષનાગ જ આ ધરતીનો ભાર પોતાના શિશ પર વહન કરીને આ સૃષ્ટિને સમરસ કરે છે તેવી વાયકાઓ પણ પેઢી દર પેઢીથી લોકો સાંભળવા મળે છે. એક તો અષાઢી માહોલ અને એમાં પણ વરસાદના આગમનની ઘડીઓ વચ્ચે આહ્લાદક વાતાવરણમાં આ પર્વ ઉજવાય છે. સમાજમાં પ્રવર્તતી રહેલાં વિવિધ પ્રકારના વિષનું શમન એ જ આ પર્વનો ઉદ્દેશ હોય શકે. આ નાગપંચમીનો તહેવાર સમગ્ર માનવજાતમાટે સુખ સમૃદ્ધિ અને સામાજિક સૌહાર્દ અને વૈશ્વિક શાંતિ અર્પે એવી ઈશ્ર્વર પાસે કરબધ્ધ પ્રાર્થના..


