ભારત અને પાકિસ્તાન વચ્ચે વરસાદથી પ્રભાવિત બે દિવસ સુધી ચાલેલી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની સુપર ફોર રાઉન્ડની મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને કચડ્યું હતું. ભારતે વન-ડેમાં પાક. સામે ૨૨૮ રનથી અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી હતી. કિંગ કોહલી અને કે એલ રાહુલની અણનમ સદી અને બાદમાં કુલદીપ યાદવની (૫/૨૫) ફિરકીમાં પાક.ના બેટ્સમેન લપેટાતા ટીમનો ધબડકો થયો હતો. ભારતે ૫૦ ઓવરમાં બે વિકેટે ૩૫૬ રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાન ૩૨ ઓવરમાં આઠ વિકેટે ૧૨૮માં જ સમેટાઈ જતા તેનો ૨૨૮ રને કારમો પરાજય થયો હતો. પાક.ના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી બેટિંગ કરવા ઉતર્યા નહતા અને પરિણામે ભારતે બે દિવસ ચાલેલી સુપર ફોર મેચમાં પાક. સામે રેકોર્ડ ૨૨૮ રનના માર્જિનથી જીત મેળવી હતી. બુમરાહ, શાર્દુલ અને હાર્દિકે એક-એક સફળતા અપાવી હતી. વિરાટ કોહલી ૧૨૨ રનની અણનમ ઈનિંગ્સ ફટકારવા બદલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. કોહલીએ આ સાથે જ ૪૭મી વન-ડે સદી ફટકારી હતી અને તે હવે વન-ડેમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના ૪૯ સદીના રેકોર્ડથી બે સદી દૂર છે. કે એલ રાહુલે પણ પુનરાગમન સાથે પોતાનું ફોર્મ બતાવ્યું હતું અને ૧૦૬ બોલમાં ૧૧૧ રન કરીને અણનમ રહ્યો હતો. રાહુલની વન-ડેમાં છઠ્ઠી અને પાકિસ્તાન સામે પ્રથમ સદી રહી હતી. બંને ખેલાડીઓ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૩૩ રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી જે ભારતની પાક. સામે ત્રીજી વિકેટની સર્વાધિક રનની પાર્ટનરશિપ રહી હતી. અગાઉ ૧૯૯૬માં નવજાેત સિંહ સિધૂ અને સચિન તેંડુલકરના નામે ૨૩૧ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હતો. ભારતના ૩૫૭ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ મેચમાં સ્પર્ધા આપી શકી નહતી. ઓપનર ફખર ઝમાન (૨૭)ને બાદ કરતા અન્ય કોઈ પાક. બેટ્સમેન ૨૫ રન સુધી પહોંચી શક્યો નહતો. કુલદીપ યાદવે આઠ ઓવરમાં ૨૫ રન આપીને પાક.ની પાંચ વિકેટ ઝડપીને તેની કરોડરજ્જૂ પર પ્રહાર કર્યો હતો. આ જીત સાથે ભારત એશિયા કપના સુપર ફોરમાં પોઈન્ટ ટેબલમાં બે અંક સાથે ટોચ પર આવી ગયું છે. એશિયા કપમાં ભારત અને પાક.ના હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતીય બેટ્સમેનોનો બ્લોકબસ્ટર શો જાેવા મળ્યો હતો. કોહલી અને રાહુલે ડેથ ઓવર્સમાં આક્રમક વલણ અખત્યાર કર્યું હતું અને છેલ્લી ૧૦ ઓવરમાં ૧૦૫ રન ઝૂડ્યા હતા. પાક. ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ ૧૦ ઓવરમા સૌથી વધુ ૭૯ રન આપ્યા હતા. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપનો ભારત-પાક.નો વન-ડે મુકાબલો બે દિવસ સુધી ચાલ્યો હતો. રવિવારે પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળતા ભારતનો સ્કોર ૨૪.૧ ઓવરમાં બે વિકેટે ૧૪૭ રન હતો તે સમયે ધોધમાર વરસાદ તૂટી પડતાં મેચ રિઝર્વ-ડે પર યોજવાનો ર્નિણય લેવાયો હતો. ત્યારબાદ સોમવારે પણ વરસાદનું વિઘ્ન નડતાં મેચ વિલંબથી શરૂ થઈ હતી અને આખરે બીજા દિવસના અંતે ભારતે પાક. સામે જીત મેળવી હતી. આમ વન-ડે બે દિવસ સુધી રમાઈ હતી. ૧૨મી સપ્ટેએ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે સુપર ફોર મુકાબલો રમાશે જેને પગલે ભારતીય ટીમને સળંગ ત્રણ દિવસ મેચ રમવાની ફરજ પડશે. પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ પાકિસ્યાન સામે ૧૨૨ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ સાથે કોલંબો સ્ટેડિયમમાં તેણે ચોથી સદી ફટકારી હતી જેન પગલે તેની આ ગ્રાઉન્ડ પર એવરેજ ૧૨૮.૨ થઈ હતી. કોહલીએ એક જ મેદાનમાં ચાર સદી ફટકારવાની બાબતમાં દક્ષિણ આફ્રિકાના હાસિમ અમલાના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટે વન-ડેમાં સૌથી ઝડપી ૧૩,૦૦૦ રન ફટકારવાનો વિક્રમ પણ રચ્યો હતો.

