જે મનુષ્ય પુર્ણ ગૃહસ્થાશ્રમમાં રહીને પત્ની-પૂત્ર અને ધનને જ પરમ પુરૂષાર્થ માને છે તે અજ્ઞાનના લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાથી પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી.મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે કે “હું કોણ છું?” તેનું તેને જ્ઞાન થતું નથી.જે પોતાના સ્વરૂપને (આત્માને) ઓળખી શકતો નથી તે પરમાત્માને કેવી રીતે ઓળખી શકે?
પ્રાચીન કાળમાં પુરંજન નામે મહાન યશસ્વી રાજા હતો.રાજાનો એક મિત્ર હતો તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સતત પ્રયત્નશીલ રહેતો અને પુરંજનને આ વાતની ખબર ના પડે તેની કાળજી રાખતો.જીવ અને ઈશ્વરની મૈત્રી છે.અવિજ્ઞાત તે ઈશ્વર છે.ઈશ્વરને જીવ પ્રત્યે અપાર કરૂણા છે.જીવને ગુપ્ત રીતે હર પળે મદદ કરે છે તેથી મદદ આપનારો કોણ છે? તે દેખાતું નથી.પરમાત્મા પવન પાણી પ્રકાશ બુદ્ધિ બધું જીવને આપે છે પછી કહે છે બેટા એક કામ તું કર અને એક કામ હું કરૂં.તારી અને મારી મૈત્રી છે.ધરતી ખેડવાનું કામ તારૂં, વરસાદ વરસાવવાનું કામ મારૂં. બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારૂં. બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારૂં, પોષણનું કામ મારૂં.આ બધું કરવા છતાં હું સઘળું કરૂં છું તે જીવને ખબર પાડવા દેતા નથી.પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે, તે પછી ભગવાન કહે છે ખાવાનું કામ તારૂં અને પચાવવાનું કામ મારૂં, ખાધા પછી સુવાનું કામ તારૂં, જાગવાનું કામ મારૂં, ઈશ્વર સુત્રધાર છે તે સુતો નથી. નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે.
આપણે રેલગાડીમાં સારી જગ્યા મળે તો સુઈ જઈએ છીએ પણ એન્જીનનો ડ્રાઈવર સુઈ જાય તો? આ બધું પરમાત્મા કરે છે છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે? પ્રભુના જીવ પર કેટલા બધા ઉપકાર છે છતાં જીવ કૃતઘ્ન છે.
રાજા પુરંજન પોતાનું રહેવા લાયક સ્થાન શોધવા આખી પૃથ્વી પર ફરી વળ્યો તો પણ તેને કોઇ અનુરૂપ સ્થાન મળ્યુ નહી.તેને જાત જાતના ભોગોની લાલસા હતી તેને ભોગવવા માટે તેણે સંસારના જેટલા નગર જોયા તેમનામાંનું કોઇપણ તેને ઉચિત લાગ્યું નહી.પુરંજન એ જીવાત્મા છે.પુરંજને વિચાર કર્યો નહિ કે હું કોના લીધે સુખી છું? સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલીને તે એક દિવસ નવ દરવાજા વળી નગરીમાં દાખલ થયો. નવ દરવાજા વાળી નગરી તે માનવ શરીર. શરીરને આંખ કાન નાક..વગેરે નવ દરવાજા છે ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી.પુરંજને તેને પૂછ્યું તમે કોણ છો? સ્ત્રી એ જવાબ આપ્યો હું કોણ છું? મારૂં ઘર ક્યાં છે? મારા માતાપિતા કોણ છે મારી જાતિ કઈ છે? તે કશું હું જાણતી નથી પણ તમારે પરણવું હોય તો હું તૈયાર છું. હું તને સુખી કરીશ. સુંદર દેખાતી હતી એટલે કશું પણ વિચાર કર્યા વગર પુરંજને તેની સાથે લગ્ન કર્યું. બુદ્ધિ તથા અવિદ્યાને જ પુરંજની નામની સ્ત્રી જાણવી,એના કારણે દેહ ઇન્દ્રિયોમાં હું-મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તેનો આશ્રય લઇને ઇન્દ્રિયો વડે વિષયોનો ભોગ કરે છે.દશ ઇન્દ્રિયો એ તેના મિત્રો છે જેમનાથી જ્ઞાન અને ક્રિયાઓ થાય છે.ઇન્દ્રિયોની વૃત્તિઓ તેની સખીઓ છે અને પાંચ પ્રાણ એ પાંચ ફણાવાળો સાપ છે.તે સ્ત્રીમાં એવો આસક્ત થયો કે થોડા સમયમાં તેને અનેક પુત્રો થયા. વિચાર કરો..સંસારસુખ ભોગવવાની ઈચ્છા અને સંકલ્પવાળો જીવ એ બુદ્ધિ સાથે પરણે છે. બુદ્ધિ જાણતી નથી કે તેના માતાપિતા ઘર વગેરે ક્યાં છે? ઇન્દ્રિયો અગિયાર છે.એક એક ઇન્દ્રિયોના સો સંકલ્પો તે એક એકના સો પુત્રો, તે પુત્રો માંહે માંહે લડે છે. એક વિચાર ઉદભવે તેને બીજો દબાવી દે છે. સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે.
ઘણા વર્ષો સુધી પુરંજન સંસાર સુખ ભોગવે છે.બીજી બાજુ કાળદેવની દીકરી “જરા” સાથે કોઈ લગ્ન કરતુ નહોતું, તે કહે છે મને કોઈ વર બતાવો, તેને કહે છે કે તને વર બતાવું. પુરંજનનગરીમાં એક જીવ છે તે તારી સાથે લગ્ન કરશે પછી પુરંજનની ઈચ્છા ન હોવાં છતાં જરા (વૃદ્ધાવસ્થા) તેને વળગી. પુરંજનનું બીજું લગ્ન જરા સાથે થયું. જરા (વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે.ભોગ ભોગવે એને જરા-વૃદ્ધાવસ્થા વળગે છે.યોગીને જરા અવસ્થા વળગી શકે નહિ. જવાની એ “જવા” ની જ છે.વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી અને પછી મૃત્યુનો સેવક પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ).
સ્ત્રીમાં અતિ આસક્ત હોવાથી અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં શરીર છોડવાથી પુરંજન વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો. એવું નથી કે કોઈ કાયમ માટે પુરૂષ કે કાયમ માટે સ્ત્રી થઇ પુનર્જન્મ પામે. આ શરીરમાં જીવ જે દ્રઢ વાસના કરે છે તે પ્રમાણે તેનો પુનર્જન્મ થાય છે.મનુષ્ય પોતાનું સ્વરૂપ પોતે જ નક્કી કરે છે.બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જે થોડા સત્કર્મો કરેલા હતા તેને પ્રતાપે વિદર્ભમાં પુરંજનનો જન્મ કન્યારૂપે (વૈદર્ભી) થયો. સમય જતાં તેનું લગ્ન દ્રવિડ દેશના રાજા પાંડ્ય (મલયધ્વજ) સાથે થયું.પાંડ્ય (મલયધ્વજ) રાજા ભક્ત હતા તેનાથી એક પુત્રી અને સાત પુત્રો થયા.
કથા શ્રવણ સત્સંગમાં રૂચિ તે ભક્તિ(પુત્રી). સાત પુત્રો ભક્તિના સાત પ્રકાર છે. (શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્ય) આ સાત પ્રકારની ભક્તિ મનુષ્ય પ્રયત્ન કરવાથી પામી શકે છે પરંતુ આઠમી સખ્ય અને નવમી આત્મનિવેદન ભક્તિ પ્રભુ જેના પર કૃપા કરે છે તેને જ મળે છે. સાત પ્રકારની ભક્તિ સિદ્ધ કર્યા પછી એક વખત જયારે કન્યાના પતિનું મરણ થાય છે ત્યારે તે દુઃખી થાય છે. ત્યારે પરમાત્મા સદગુરૂ રૂપે આવી અને સખ્ય અને આત્મનિવેદન ભક્તિનું દાન કરે છે એટલે કે જે મિત્ર અવિજ્ઞાતને (પરમાત્માને) પુરંજન (જીવ) માયાને લીધે ભૂલી ગયો હતો તે સદગુરૂ રૂપે આવ્યા અને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો કે તું મને છોડીને (મારાથી વિખુટો પાડીને) નવ દ્વાર વાળી નગરી (શરીર)માં રહેવા ગયો ત્યારથી તું દુઃખી થયો છે પણ હવે તું તારા સ્વરૂપને ઓળખ. તું મારો મિત્ર છે, તું મારો અંશ છે, તું સ્ત્રી નથી કે પુરૂષ નથી, તું મારા સામું જો.પુરંજન પ્રભુની સન્મુખ થયો.જીવ અને ઈશ્વરનું મિલન થયું. અને જીવ કૃતાર્થ થયો.
મનની શુદ્ધિ કરવા માટે કર્મની જરૂર છે એટલે કે મનને એકાગ્ર કરવા ‘ભક્તિ’ (કર્મ)ની જરૂર છે અને સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા ‘જ્ઞાન’ની જરૂર છે.જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય.. ત્રણે પરિપૂર્ણ થાય ત્યારે જીવ પરમાત્મા દર્શન કરી કૃતાર્થ થાય છે.
ભક્તમાળ પુસ્તકમાં મહાન સંત અમરદાસજીની કથા આવે છે.તેમની ઉંમર ત્રણ વર્ષની હતી ત્યારે તેમણે પોતાની માતાને પૂછ્યું ર્માં હું કોણ છું? ર્માં એ જવાબ આપ્યો તું મારો દીકરો છું.અમરદાસ પૂછે છે દીકરો કોણ? કોનો? મા એ તેમની છાતી પર હાથ રાખી કહ્યું આ મારો દીકરો છે. અમરદાસ કહે એ દીકરો ક્યાં છે? એ તો છાતી છે. હવે મા એ તેનો હાથ પકડી કહ્યું આ મારો દીકરો છે. અમરદાસ કહે મા તે તો મારો હાથ છે. ર્માં જો આ શરીર એ તારો દીકરો હોય તો તારૂં લગ્ન થયું ત્યારે હું ક્યાં હતો? મા કહે છે બેટા મારા લગ્ન પછી તારો જન્મ થયો છે. અમરદાસ કહે છે ર્માં તું ખોટું કહે છે. લગ્ન પછી તો શરીરનો જન્મ થયો પણ તે પહેલાં તો હું ક્યાંક તો હતો જ તે મારૂં અસલી ઘર ક્યાં છે?
જીવ અજ્ઞાનથી અનેક પ્રકારનાં કષ્ટો ભોગવતો રહી મનુષ્ય શરીરમાં પડ્યો રહે છે. વાસ્તવમાં તો તે નિર્ગુણ છે પરંતુ પ્રાણ-ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપીત કરીને હું-મારાપણાના અભિમાનથી બંધાઇને વિષયોનું ચિંતન કરતો રહીને જાત જાતના કર્મો કરતો રહે છે.આ જીવ પરમાત્માનો સનાતન અંશ હોવાછતાં જ્યાંસુધી કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂના માધ્યમથી પ્રભુ પરમાત્માને જાણતો નથી ત્યાંસુધી પ્રકૃતિના ગુણોમાં બંધાયેલો રહે છે.
મનુષ્યનું અસલી ઘર પરમાત્માના ચરણમાં છે. ‘હું કોણ છું’ તેનો વિચાર કરવાનો છે.જીવનના લક્ષ્યને ભૂલવાનું નથી.જીવને ઈશ્વરનું જ્ઞાન તો નથી પણ જીવને હું કોણ છું? તેનું પણ જ્ઞાન નથી. વિષયોમાં જીવ એવો ફસાયો છે કે હું કોણ છું? તેનો પણ વિચાર કરતો નથી તો પછી પરમાત્માનો તો વિચાર પણ ક્યાંથી આવે? પુરંજન કથાનું આ રહસ્ય છે.જેનાથી પ્રભુ પ્રસન્ન થાય તે કર્મ અને જેનાથી પ્રભુમાં બુદ્ધિ પરોવાય તે જ્ઞાન.
કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે.જો માણસ સમજે અને પ્રયત્ન કરે તો પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરૂં કરવાનું છે પણ નવું પ્રારબ્ધ ઉભું કરવાનું નથી. એવું સાદું જીવન જીવવાનું કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. આત્મ સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે છે. મનુષ્યને “જગત નથી” એવો અનુભવ થાય છે પણ “હું નથી” એવો અનુભવ થતો નથી.“અહમ” નું વિસ્મરણ જલ્દી થતું નથી.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


