10 વર્ષથી એક જ જગ્યાએ ચીટકી રહેલા કર્મચારીઓની બદલીથી ફફડાટ
છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય સોસાયટી ખાતે જુદા જુદા સંવર્ગમાં 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણામાં નિમણુક કરાયેલ 4 તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, 6 તાલુકા ફાઈનાન્સ આસિસ્ટન્ટ અને 46 પીએચસી એકાઉટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરોની જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ અરસપરસ બદલી કરી તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યાએ પહોંચી ચાર્જ મેળવી લેવાનો પરિપત્ર કરતા જિલ્લાના 11 માસ કરાર આરોગ્ય કર્મચારીઓમાં ફફડાટ સાથે સોપો પડી ગયો છે.
એક અઠવાડિયા પહેલા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નસવાડી તાલુકાના આરોગ્ય કેન્દ્રો ઉપર અચાનક મુલાકાત કરાતા ગુલોબાજ કર્મચારીઓ ઝડપાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ગેરહાજર રહેલ કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવી વ્યાજબી જવાબ રજુ કરવા જણાવેલ હતું. પરંતુ વ્યાજબી જવાબ રજુ ન કરનાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
