સિડની
ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને સફળ થવું હશે તો સ્પિનર એડમ ઝમ્પા અને ઓલરાઉન્ડર મિચેલ માર્શ મહત્વપૂર્ણ બની રહેશે તેમ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર માઇક હસ્સીનું માનવું છે. ૩૧ વર્ષીય લેગ સ્પિનર ઝમ્પાને પહેલી વાર ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાં પસંદ કરાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં તે ૭૯ વન-ડે રમ્યો છે જેમાં તેણે ૭૯ વિકેટ ઝડપી છે. ભારતીય વાતાવરણ અને પિચોને જાેતાં ત્યાં સ્પિનર્સને મદદ મળી રહે તેવી સંભાવના છે ત્યારે હસ્સીનું માનવું છે કે પેટ કમિન્સની ટીમ માટે એડમ ઝમ્પા હુકમનો એક્કો બની શકે તેમ છે. ૨૦૨૧માં યુએઈમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી વાર ટી૨૦ ટાઇટલ જીત્યું ત્યારે પણ ઝમ્પાની ભૂમિકા અગત્યની રહી હતી અને તેના સ્કીડ થતા બોલે ટીમને ઘણી સફળતા અપાવી હતી. ઝમ્પાએ એ વર્લ્ડ કપમાં માત્ર ૫.૮૧ના ઇકોનોમી રેટથી ૧૩ વિકેટ ઝડપી હતી. માઇક હસ્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયા માટે મોટી ભૂમિકા અદા કરી શકે તેમ છે. છેલ્લા કેટલાક વર્ષથી તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર હસ્સીએ આ ઉપરાંત મિચેલ માર્શ પર પણ ભરોસો રાખ્યો છે. તેણે જણાવ્યું હતું કે માર્શ પણ ટીમના ભાવિ પર સકારાત્મક અસર પાડી શકે તેમ છે. તાજેતરમાં તેણે ટીમની સફળતામાં ઘણું યોગદાન આપ્યું છે. તે અત્યંત ઉંચા આત્મવિશ્વાસ સાથે રમી રહ્યો છે. આમ તે આવા જ આત્મવિશ્વાસ સાથે રમશે તો તેને રોકવો મુશ્કેલ બની જશે. ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝમાં વન-ડે વર્લ્ડ કપ જીત્યો ત્યારે માઇકલ હસ્સી તે ટીમમાંથી રમ્યો હતો અને ગયા વર્ષે ઇંગ્લેન્ડે ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે ઇંગ્લેન્ડના કોચિંગ સ્ટાફમાં હતો. તેણે એવી પણ ચેતવણી ઉચ્ચારી હતી કે એડમ ઝમ્પા અને મિચેલ માર્શ જેવા ખેલાડીના પ્રયાસને સફળતા અપાવવી હોય તો ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટિવ સ્મિથ જેવા સિનિયર ખેલાડીની પણ જરૂર પડશે. તમે એકાદ બે ખેલાડી પર આધાર રાખીને વર્લ્ડ કપ જીતી શકો નહીં. તેના માટે સહિયારા પ્રયાસની જરૂર પડતી હોય છે. મારું માનવું છે કે તમારે ટીમમાં સિનિયર ખેલાડી વિશે વિચારવું જાેઇએ અને તેમ આમ વિચારશો તો સ્ટિવ સ્મિથ અને પેટ કમિન્સને સામેલ કરવા પડશે.


