યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે સમગ્ર વિશ્વમાં તા.૨૧ જુનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૧/૦૬/૨૦૧૯ના ઠરાવથી ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગૃત રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર-પ્રસાર થાય અને યોગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનું છે.
મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલ યોગ સ્પર્ધામાં પસંદગી પામેલ દરેક મહાનગરપાલિકામાંથી કુલ ૬ વિજેતા થયેલ ૩ ભાઇઓ અને ૩ બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ ૮ મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે. એટલે દરેક મહાનગરપાલિકા દીઠ ૬ લોકોની (૩ ભાઇઓ અને ૩ બહેનો) કુલ ૪૮ સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને ૪૮ પૈકી કુલ ૬ સ્પર્ધકો અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે.
જે મુજબ જિલ્લા કક્ષાએ અલગ અલગ તારીખો દરમિયાન પસંદગી કરેલ સ્થળો ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધા (ઑડીશન) યોજવામાં આવેલ હતુ. જેમા યોગ સ્પર્ધકો દ્વારા પોતાનુ યોગ કૌશલ દર્શાવી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે. આ સ્પર્ધામા ૯ વર્ષથી ૮૫ વર્ષ સુધીના યોગ સાધકો એ ભાગ લઇ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
અલગ અલગ સમયે અલગ અલગ સ્થળો પર રાજ્યના ખ્યાતનામ મહાનુભાવશ્રીઓ દ્વારા યોગ સ્પર્ધાની મુલાકાત લઇ અને યોગ સાધકોને યોગનો સંદેશ આપેલ છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ યોગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના યંગ અને ડાયનેમિક રમતગમત મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ મુલાકાત લઇ ઉપસ્થિત સ્પર્ધકો અને સ્પર્ધાના આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન જણાવ્યુ કે, યોગના માધ્યમથી ગુજરાત રાજ્યનો હેપ્પી ઇન્ડેક્ષ ચોક્કસ વધશે તેમ કહી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકોને તેઓને ફાળવવામાં આવેલ મહાનગરપાલિકા હેડ કર્વાટર ખાતે મહાનગરપાલિકા કક્ષાની યોજાનાર યોગ સ્પર્ધામાં જવાનું રહે છે.
જે પૈકી જૂનાગઢ ખાતે યોજાનાર મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા તા.૨૪/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૬-૩૦ કલાકેથી કાર્મેલ કોન્વેટ સ્કૂલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે યોજાનાર છે.
મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમને રૂા.૨૧૦૦૦, દ્રિતીયને રૂા.૧૫૦૦૦ અને તૃતીય ભાઇઓ-બહેનોને રૂા.૧૧૦૦૦ની રકમ સાથે મેડલ, સર્ટીફિકેટ આપવામાં આવશે.
