છોટાઉદેપુર જિલ્લાની એક માત્ર નગર પાલિકા એવી છોટાઉદેપુર નગર પાલિકા પ્રશાસનના અનગઢ વહીવટના કારણે નગર વાસીઓ શુદ્ધ પીવાના પાણીથી વંચિત છે. નગરમાં 35 હજારથી વધુ વસ્તી માટે બે વોટર વર્ક્સ કાર્યરત છે, નગરજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વારીગૃહ ખાતે ફેબ્રુઆરી 2022માં રૂપિયા 84.88 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કરાયું પરંતુ અત્યારસુધી પ્લાન્ટ નિયમિત ચાલતો નથી. વર્ષો જૂની પદ્ધતિથી નદી મારફતે પાણી આવે અને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ પહેલા નદીમાં રેતી હતી જેથી કુદરતી રીતે પાણીનું શુદ્ધિકરણ થઈ જતું હતું અને હવે નદીમાં રેતી ના હોવાને લઈ દુર્ગંધ યુક્ત ગંદુ પાણી નગરજનોને મળે છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધ કરી શકાય છે , અને પ્લાન્ટ પણ ચાલુ સ્થતિમાં જ છે પરંતુ પ્લાન્ટ ચલાવવા માટે કોઈ સક્ષમ ટેક્નિકલ સ્ટાફ જ નથી તેમજ આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર એક જ વોટર વર્ક્સ માટે સીમિત છે જેથી આનો લાભ સમગ્ર છોટાઉદેપુર નગરને મળી શકે એમ નથી. છેલ્લા ઘણા સમયથી ચાલતા રોગચાળાની સ્થિતિ દરમિયાન છોટાઉદેપુર વાસીઓને ચોખ્ખું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પલાન્ટ નિયમિત શરૂ કરાય તેવી નગરજનો માંગ કરી રહ્યા છે
હાલ નગરપાલિકામાં સરકાર દ્વારા વહીવટદાર નીમવામાં આવ્યા છે તેવામાં સમગ્ર મામલે નગર પાલિકા ચીફ ઓફિસરે નગરજનો ને શુદ્ધ પાણી અપાતું હોવાનું જણાવ્યું છે ત્યારે પ્લાન્ટ નિયમિત ના ચાલતો હોવાની વાત કબૂલી છે અને વહેલી તકે ટેક્નિકલ સ્ટાફ ભરતી કરી નગરજનોને ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે શુદ્ધ પાણી આપવાની ખાતરી આપી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


