છોટાઉદેપુર જિલ્લા આયોજન મંડળની
બેઠકમાં રૂા. ૯.૨૫ કરોડનું આયોજન મંજૂર કરાયું
રાજય સરકાર દ્વારા આદિજાતિ જિલ્લાના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે. જિલ્લાના વિકાસ માટે અધિકારીઓ અને પદાધિકારીઓ પરસ્પરથી સંકલન કામ કરે એ ઇચ્છનિય છે એમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા અને સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું.
વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારના નાણાના વ્યવસ્થિત ઉપયોગ થાય તથા ગુણવત્તાયુકત કામો થાય એ જોવા તેમણે તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લા આયોજન કચેરી દ્વારા પદાધિકારીઓ સાથે વ્યવસ્થિત સંકલન કરી કરવામાં આવેલું આયોજન સરાહનીય છે એમ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન સંખેડા તાલુકાનું રૂા. ૧૫૦ લાખના ૬૪ કામો, છોટાઉદેપુર તાલુકાનું રૂા. ૧૫૦ લાખના ૧૦૨ કામો, જેપપુર પાવી તાલુકાનું રૂા.૧૫૦ લાખના ૯૪ કામો, કવાંટ તાલુકાનું રૂા. ૧૫૦ લાખના ૭૮ કામો, નસવાડી તાલુકાનું રૂા. ૧૫૦ લાખના ૮૨ કામો અને બોડેલી તાલુકાનું ૧૫૦ લાખના ૬૬ કામો તથા છોટાઉદેપુર નગરપાલિકાનું રૂા. ૨૫ લાખના ૫ કામોનું આયોજન મળી કુલ રૂા. ૯૨૫ લાખના ૪૯૧ કામોનું આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા આયોજન કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેલપમેન્ટ ગોલ ૨.૦ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ બેઠક દરમિયાન ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી શ્વેતાબેન ડાભીએ કર્યું હતું. બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઇ રાઠવા, અભેસિંહભાઇ તડવી, પ્રયોજના વહીવટદાર રવિન્દ્રસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખો, અમલીકરણ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


