Gujarat

પતિના મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલાની અવેજીમાં આપેલો ચેક રિટર્ન થતા પત્નીને એક વર્ષની કેદની સજા

ગાંધીનગર
પતિના મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા આઠ લાખની અવેજીમાં આપેલો ચેક રિટર્ન થવાનો કેસ ગાંધીનગરનાં સાતમા એડીશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલીલોનાં અંતે કોર્ટે મહિલાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક રીટર્નની રકમ ૫ ટકા વ્યાજે ચૂકવવા માટે હુકમ કર્યો છે. અમદાવાદના ચાંદખેડા દેવનંદન બંગલોમાં રહેતા લક્ષ્મણસિંહ શેખાવત ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમને સાબરમતી ડી કેબીન શિલ્પા સોસાયટીમાં રહેતા દેવાંગ યાદવ સાથે મિત્રતા હોવાથી તેની પત્ની નેહા પણ ઓળખતા હતા. પોતાના અંગત કામ અર્થે આઠ લાખની જરૂરીયાત હોવાથી નેહાબેન યાદવે રૂપિયાની માંગણી કરી હતી. આથી લક્ષ્મણસિંહે ગત તા. ૯ માર્ચ ૨૦૨૧ નાં રોજ રૂ. ૮ લાખ બે મહિનાના વાયદે નેહાબેનને આપ્યા હતા. જે અંગે નેહાબેને વાઉચર લખી આપ્યા હતા. જાે કે બે મહિનાનો સમય વીતી જવા છતાં નેહાબેને રૂપિયા પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી લક્ષ્મણસિંહે રૂપિયા પરત માંગતા નેહાબેને ઈન્ડિયન બેંક ચાંદખેડા શાખાનો તા. ૨૦/૭/૨૦૨૧નો ચેક લખી આપ્યો હતો. આ ચેક લક્ષ્મણસિંહે જમા કરાવતા તા ૨૨/૭/૨૦૨૧ ના રોજ “ફંડ ઇન્સફીસીયન્ટ” ના શેરા સાથે પરત ફર્યો હતો. આથી તેમણે વકીલ મારફતે નોટિસ પણ મોકલી આપી હતી. જે નોટિસ બજી જવા છતાં નેહાબેને રૂપિયા પરત કર્યા ન હતા. આખરે લક્ષ્મણ સિંહે નેગોશીએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ કલમ- ૧૩૮ અન્વયે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગાંધીનગરના સાતમા એડીશ્નલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલીલોનાં અંતે જજ કે ડી પટેલે ચેક રિટર્ન થવાના આરોપમાં નેહા બેનને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ ચેક રીટર્ન થયા તારીખથી ૫ ટકા સાદા વ્યાજે ચૂકવવા તેમજ રૂ. ૧૦ હજાર વળતર પણ ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *