Gujarat

લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર ઉપરાંત આ રોગ વધુ પ્રસરે નહિ તે માટે સઘન રસીકરણ કરાયું, જેથી આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા ઃ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

પશુઓના રસીકરણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ ગૌવંશમાં લમ્પી રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ ઉપરાંત જે પગલાં લેવા હોય તે લેવા માટેની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છૂટ આપી દીધી હતી. જેને પરિણામે પશુપાલન વિભાગ દ્વારા લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર આપી તેને સાજા કરવા ઉપરાંત રોગમુક્ત ગૌ વંશમાં લમ્પી પ્રસરે નહિ તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા છીએ.
એટલું જ નહીં, લમ્પી ઉપરાંત અન્ય રોગોથી મુક્ત રાખવા માટે સશક્ત પશુઓમાં રસીકરણ કરવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો અને પશુઓમાં સો ટકા રસીકરણ થાય તે માટે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે તેવી પ્રથમ યોજના પણ અમલમાં આવી. જેનો ગુજરાતે મહત્તમ લાભ લીધો છે તે માટે પશુપાલન વિભાગના અધિકારીઓને મંત્રી અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ વધુ માં કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૬,૦૯,૩૦૩ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પશુઓના જીવાણુંજન્ય અને વિષાણુજન્ય રોગો માટે રસીકરણ કરાયું હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.

પશુ આરોગ્ય મેળા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પૂરક પ્રશ્નના ઉત્તર આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાખો પશુઓને ઘર આંગણે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૩૬ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૫૩,૬૯૭ પશુઓને સારવાર આપવામાં આવી અને ૧૦૮ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *