સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાનાં લોહાણા મહાજન વાડી ખાતે સદ્દભાવના ગ્રુપ દ્વારા આયોજિત અમરેલી રેડક્રોસ સોસાયટી, વેદ બ્લડબેંક તથા શાંતાબા મેડીકલ કોલેજ બ્લડ બેંક ના સહયોગથી પ. પૂ. ઉષામૈયા, શિવદરબાર આશ્રમ (કાનાતળાવ) નાં ૮૫ માં પાવન જન્મદિવસ નિમિત્તે આ નવાં વર્ષની તા ,૩-૧-૨૦૨૩ ને સોમવારનાં રોજ એક મહારકતદાન કેમ્પ રાખવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં ૨૪૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. તથા પ, પૂજ્ય ઉષામૈયાની રક્તતુલા કરવામાં આવી.
આમ તો આ સંસ્થા રક્તદાન કેમ્પમાં પણ અગ્રેસર રહી છે. હાલ આ સંસ્થા દ્વારા આ ૧૦૨ મો રક્તદાન કેમ્પ હતો. આમ પણ અમરેલીમાં રક્તની ખાસ્સી જરૂરિયાત હોવાથી આ કેમ્પ જરૂરિયાતમંદ લોકોમાટે જીવનદાયિની પણ બની રહે એવી અભ્યર્થના સાથે સંસ્થાને ૨૦૦ બોટલથી વધુ રકતનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે બહોળાં પ્રમાણમાં લોકો રક્તદાન કરે એવી સદભાવના ગ્રુપ દ્વારા લોકોને નમ્ર વિનંતી કરવામાં આવી હતી અને જેમાં સાવરકુંડલાના રક્તદાતાશ્રીઓએ ૨૪૫ બોટલ રક્ત આપ્યું હતું.
આમ તો રક્તદાન એ જ સૌથી શ્રેષ્ઠ દાન છે. રક્તદાન કરવાથી જરૂરતમંદ લોકોને સમયસર રક્ત મળવાથી ઘણી વખત માણસની અમૂલ્ય જિંદગી બચી જતી હોય છે આમ પરોક્ષ રીતે આ રક્તદાન એ જીવનદાતા તરીકે પણ ગણી શકાય ખરું. આ રક્તદાનનાં આયોજનમાં પ્રતિકભાઈ નાકરાણી (સિગ્મા સ્કૂલ) તથા વિદુલાબેન અષ્ટકાંતભાઈ સૂચક તરફથી એક આકર્ષક સરપ્રાઇઝ ગીફ્ટ દરેક રક્તદાતાઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત સદભાવના ગ્રુપ તરફથી પણ ગીફ્ટ આપવામાં આવી હતી.
આમ આ રક્તદાન કેમ્પમાં ભાગ લેનારા તમામ રક્તદાતાઓને આ શુભ પ્રસંગે બે – બે ભેટ (ડબલ ગીફ્ટ) આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને બહેનો એ પણ બહોળી સંખ્યામાં રક્તદાન આપ્યું હતું.
ત્યારબાદ આ રક્તદાન કેમ્પમાં પ. પૂ. ઉષામૈયા શિવદરબાર આશ્રમ કાનાતળાવની તેમનાં જન્મદિવસ નિમિત્તે રકતતુલા કરવામાં આવી હતી. આ રૂડો અવસર સાવરકુંડલાનાં આંગણે હોય સાવરકુંડલા શહેરનાં ભક્તજનો અને રક્તદાતાઓમાં આનંદની લાગણી છવાઈ હતી.
આ અવસરને સફળ અને ભવ્ય બનાવવા માટે પૂ, મુક્તાનંદ બાપુ (ચાંપરડા વાળા) , બગદાણાનાં મહંત મનજીબાપા, અમરેલી જીલ્લાના સાંસદ શ્રી કાછડીયા, સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ સદ્દભાવના ગ્રુપનાં તમામ સભ્યો તનતોડ મહેનત કરી હતી.


