Gujarat

અમરેલી જિલ્લામાં ‘રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે’ નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા વિશેષ સફાઈ અભિયાન

૨૦૨૬૧ જુલાઈ એટલે કે ‘રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે’ (ડૉક્ટર દિવસ) નિમિત્તે સમગ્ર દેશમાં તબીબોની સેવાને બિરદાવવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજનાના સ્ટાફ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓની આરોગ્ય સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપીને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ અને લોકેશનની સફાઈનું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

 આજના ખાસ દિવસે અમરેલી જિલ્લાના તમામ ૧૦૮ ઈમરજન્સી અને ખિલખિલાટ એમ્બ્યુલન્સના લોકેશન પર કાર્યરત કર્મચારીઓએ પોતાની ફરજના ભાગરૂપે એમ્બ્યુલન્સ વાહનોની અંદર તથા બહારથી ઊંડાણપૂર્વક સાફ-સફાઈ કરી હતી. કટોકટીના સમયે દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનતા તમામ તબીબી સાધનો (મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ)ની ખૂબ જ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેથી ઈમરજન્સી સેવાઓમાં કોઈ ખામી ન સર્જાય.આ સાથે જ, એમ્બ્યુલન્સ જ્યાં પાર્ક થાય છે તે તમામ લોકેશન અને તેની આસપાસના પરિસરને પણ સ્ટાફ દ્વારા સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું. ડૉક્ટર દિવસની આ અનોખી ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સંપૂર્ણ જંતુમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો છે. ૧૦૮ અને ખિલખિલાટ ટીમના આ સરાહનીય કાર્યને સ્થાનિક આરોગ્ય વિભાગ અને લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું છે.

રિપોર્ટ વિપુલ મકવાણા અમરેલી