Gujarat

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે ઉર્મિલા નામની મહિલા સ્વસ્થ થતાં તારીખ ૩૧ મી ડિસેમ્બર એટલે કે ૨૦૨૨ ના અંતિમ દિવસે તેમના પતિ ચંદ્રમારામ તેમને લેવા માટે આવી પહોંચ્યા. પરિવાર સાથેના એ ભાવવિભોર દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયાં. આમ માનવમંદિર ખાતે આજસુધી  કુલ ૧૧૦ મનોરોગી બહેનો સ્વસ્થ થઈ છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે આજરોજ મનોરોગી બહેન સાજી થઈ પોતાના સ્વઘરે વિદાય થઈ. આ મહિલાને રખડતી ભટકતી હાલતમાં મળેલી હોય ગોંડલ પોલીસ તારીખ ૨૦-૬-૨૦૨૨ ના રોજ માનવમંદિર ખાતે મૂકી ગયા હતા. તેની યાદદાસ્ત પાછી આવતાં ઉર્મિલા નામની આ મનોરોગી મહિલા સાજી થતાં પોતાના સ્વગૃહે રવાના થઈ. આ માનવમંદિર ખાતે આજસુધી કુલ ૧૧૦ મનોરોગી બહેનો પ. પૂ ભક્તિરામબાપુની સાર સંભાળથી સાજી થઈ છે.આમ તો આ મનોરોગી મહિલાના રહેઠાણ અંગે ભૂજ ખાતે આવેલ રામદેવ સેવા આશ્રમ કે જે ઘરવાપસી અભિયાન ચલાવે છે તેના રીતુ વર્માની મદદથી ઉર્મિલાના પરિવારની ભાળ મેળવવામાં મદદ મળી અને અંતે ઉર્મિલાના પતિ ચંદ્રમારામ બિહારથી તારીખ ૩૧ મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તેમની પત્ની ઉર્મિલાને તેડવા આવી પહોંચ્યા હતા. સાવરકુંડલા પોલીસ દ્વારા તમામ કાગજી કાર્યવાહી થયા બાદ પૂ. ભક્તિરામબાપુએ ઉર્મિલાને તેમના પતિ સાથે રવાના કરી સાથે એક મહિનાની દવા પણ આપીને ભાવભરી વિદાય આપી હતી.  વિદાયના એ સુખદુઃખ મિશ્રિત દ્રશ્યોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ મનોરોગી મહિલાઓનો માનવમંદિર આશ્રમ છેલ્લા અગિયાર વર્ષથી પૂ. ભક્તિરામ બાપુ ખૂબ સ્નેહપૂર્વક સંભાળીને અહીં આવતી મનોરોગી બહેનોની સારસંભાળ, માવજત અને જતન ખૂબ જ સ્નેહપૂર્વક કરે છે. ગત વાવાઝોડામાં આ મનોરોગી આશ્રમને ભારે નુકસાન થયું હતું. ડાઈનીંગ હોલ તો સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયેલો. પરંતુ પૂ. ભક્તિરામબાપુએ હિંમત હાર્યા વગર આશ્રમની દૈનિક પ્રવૃત્તિ કોઈ પણ વિક્ષેપ વગર ચાલું રાખી હતી. વળી આ સંસ્થામાં તમામ સેવા જેવી કે આવાસ નિવાસ, ભોજન, કપડાં લતા, દવા, તબીબી સારવાર તમામ સુવિધાઓ આ માનવમંદિરમાં મનોરોગી બહેનો માટે નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ધીમે ધીમે અહીંની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈને સમગ્ર દેશ અને વિદેશમાંથી અનેક લોકોએ આ સેવાકીય મહાયજ્ઞને લાઈવ અને સોશ્યલ મિડિયા તથા પ્રિન્ટ મીડિયા દ્વારા નિહાળી આ માનવમંદિરની મુલાકાત પણ લેતાં જોવા મળેલ છે અને સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈને દાતાશ્રીઓના દાનની અવિરત સરવાણી વહેવા લાગી છે.  હવે આ માનવમંદિર આશ્રમમાં એ ધ્વસ્ત થયેલાં ડાઈનીંગ હોલની જગ્યાએ રૂપિયા દોઢ કરોડના ખર્ચે આ ડાઈનીંગ હોલ નિર્માણાધીન છે. રકમ ખૂબ મોટી છે પણ આપનો સહયોગ હોય તો ટીપે ટીપે સરોવર બને એ ઉક્તિને સાર્થક કરી આપનું અનુદાન આ સેવા કાર્યમાં આવકાર્ય છે. આમ અહીં સેવા એ જ સાધનાનાં જીવનમંત્ર સાથે પૂ. ભક્તિરામબાપુ માનવમંદિર ખાતે મનોરોગી બહેનોની સારસંભાળ એક પિતાની માફક કરે છે. જો આપે કોઈ ફરવાના સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હોય તો સાવરકુંડલા શહેરથી માત્ર પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલા માનવમંદિરની સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળવા અને દુનિયામાં જેનું કોઈ નથી એવા મનોરોગી નિરાધાર અને નિઃસહાય મહિલાઓના આશ્રય સ્થાનની પૂ. ભક્તિરામબાપુની સેવા અને માવજત નિહાળવા માટે પણ એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી ખરી.

20221231_172349.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *