મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચપ્પલ ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કોઈ ચોરે રાજ્યના સ્વાસ્થ્યમંત્રી ડૉ.પ્રભુરામ ચૌધરીના બૂટ ચોરી લીધા હતા. અધિકારીઓને જ્યારે આ વાતની ખબર પડી તો, હડકંપ મચી ગયો. બાદમાં અધિકારીઓની એક ટીમ મંત્રીજીના બૂટ શોધવામાં લાગી ગઈ હતી. જાે કે, ભારે મથામણ છતાં પણ તેમના બૂટ મળ્યા નહોતા, હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કહેવાય છે કે, મંત્રીજીના બૂટ શોધવા માટે સ્ટાફના એક ડઝનથી વધારે પોલીસ કર્મી ધંધે લાગ્યા હતા. ખુદ મંત્રીજી પોતાના બૂટ શોધવા માટે અડધો કલાક આંટા મારતા રહ્યા હતા. પણ તેમને તેમના બૂટ મળ્યા નહોતા. જાે કે, અંતે નિરાશ થયેલા મંત્રીજી બૂટ લીધો વિના જ બહાર નીકળવા જતાં હતા, ત્યાં મંત્રીના એક સમર્થકે તેમના માટે નવા બૂટની વ્યવસ્થા કરી આપી હતી. આખરે મંત્રી ઘરે જવા રવાના થયા હતા. આપને જણાવી દઈએ કે, મંત્રી પ્રભુ રામ ચૌધરી સ્વર્ગીય માધવરાવ સિંધિયાની જયંતિ પર છત્રી પરિસરમાં ભજન સંધ્યા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ પહોંચ્યા હતા. ત્યારે આવા સમયે જ્યારે તેઓ મુલાકાત લઈ ઘરે જવા નીકળ્યા તો, ખબર પડી કે, તેમના બૂટ કોઈ ઉપાડી ગયું છે. તેમણે પોતાના અધિકારીઓને બૂટ શોધવા માટે આદેશ આપ્યા. તાત્કાલિક પોલીસ અધિકારી પણ એલર્ટ થઈ ગયા અને મંત્રીજીના બૂટ શોધવા લાગ્યા, પણ બૂટ ક્યાંય મળ્યા નહીં.
