બાંદીપોરા
જમ્મુ અને કાશ્મીર પોલીસે આસામ રાઈફલ્સ અને સીઆરપીએફની મદદથી બાંદીપોરા જિલ્લામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં એક મહિલા સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ એકે-૪૭ સહિત અનેક હથિયારો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે એક આરોપી પાકિસ્તાન સ્થિત હેન્ડલર મુશ્તાક અહમદ મીરના સંપર્કમાં હતા. તેમને આતંકને ફેલાવવા માટે ૪૭ લાખ રૂપિયા પણ મળ્યા હતા. અહેમદ મીર ૧૯૯૯માં પાકિસ્તાન ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ૨૫ ઓગસ્ટે એક હાઇબ્રિડ આતંકવાદી વિશે માહિતી મળી હતી. આ પછી વિસ્તારમાં ચેકપોઇન્ટ બનાવવામાં આવી હતી. આ ચેકપોઇન્ટ પરથી એક વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો. વ્યક્તિ પાસેથી એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, ૮ રાઉન્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. આરોપીની ઓળખ શફાયાત ઝુબેર તરીકે થઈ છે. બાંદીપોરામાં આતંકવાદને ફેલાવવા માટે ઝુબૈરને ૪૭ લાખ રૂપિયા મળ્યા હતા. ઝુબૈર વર્ષ ૨૦૦૦માં કોઠીબાગ આઇઇડી બ્લાસ્ટમાં પણ સામેલ હતો. આ વિસ્ફોટમાં ૧૨ પોલીસકર્મીઓ સહિત ૧૪ લોકોના મોત થયા હતા. તેના પર ૨૦૦૯માં સેનાના વાહનને સળગાવવાનો પણ આરોપ છે. આ કેસમાં તે જામીન પર બહાર છે. ઝુબૈરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે મુનિરા બેગમ નામની મહિલા પાસે હથિયારોની ડિલિવરી લેવા જતો હતો. મુનીરા બેગમ માર્યા ગયેલા આતંકવાદી યુસુફ ચૌપાનની પત્ની છે. ત્યાર બાદ પોલીસે મુનીરા પાસેથી ૧ એકે-૪૭ રાઈફલ, ૩ મેગેઝીન, ૯૦ ગોળીઓ અને એક પેન પિસ્તોલ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મુનીરા બે વખત પાકિસ્તાન ગઈ હતી.
