મિરપુર
જેમિમાહ રોડ્રિગ્સે કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર નોંધાવતાં ૮૬ રન ફટકારવા ઉપરાંત ચાર વિકેટ ખેરવતાં પ્રવાસી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને ૧૦૮ રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં સ્કોર ૧-૧ સરભર કરી દીધો હતો. આમ ત્રણ મેચની આ સિરીઝની ૨૨મી જુલાઈએ રમાનારી ત્રીજી મેચ નિર્ણાયક બની રહેશે. પહેલી વન-ડેમાં ભારતનો પરાજય થયો હતો. બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે કેપ્ટન હરમનપ્રિત કૌર અને જેમિમાહ રોડ્રિગ્સની અડધી સદીની મદદથી ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૨૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશી મહિલા ટીમ ૧૨૦ રન કરી શકી હતી.
જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. તેણે ૭૮ બોલમાં ૮૬ રન ફટકારવા ઉપરાંત ૩.૧ ઓવરમાં માત્ર ત્રણ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ઓપનર સ્મૃતિ મંધાનાએ ૩૬ રન ફટકાર્યા હતા તો તેની સાથી ઓપનર પ્રિયા પૂનિયા સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. યાસ્તિકા ભાટિયા ૧૫ રનના સ્કોરે આઉટ થયા બાદ જેમિમાહ અને હરમનપ્રિત કૌરે મળીને ભારતીય ઇનિંગ્સને સ્થિરતા પ્રદાન કરતી ૧૩૧ રનની ભાગીદારી નોંધાવી હતી. હરમને ૮૮ બોલમાં બાવન રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગાનો સમાવેશ થતો હતો તો જેમિમાહ રોડ્રિગ્સે નવ ચોગ્ગા સાથે ૮૬ રન ફટકાર્યા હતા.
૧૯૯ રનના કુલ સ્કોરં હરમન આઉટ થયા બાદ ૪૯મી ઓવરમાં જેમિમાહની વિકેટ પડી હતી. ત્યાર બાદ ભારતે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે બાંગ્લાદેશે પણ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ફરગાના હકના ૪૭ અને રિતુ મોનીના ૨૭ રનને બાદ કરતાં ગૃહટીમની કોઈ ખેલાડી ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી ન હતી. ભારત માટે જેમિમાહ રોડ્રિગ્સે રિતુ તથા બાંગ્લાદેશી ટીમની સુકાની નિગાર સુલતાનાની વિકેટ સહિત માત્ર ત્રણ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત દેવિકા વૈદ્યએ ત્રણ વિકેચ ખેરવી હતી. ગયા સપ્ટેમ્બર બાદ પહેલી વાર રમી રહેલી ઝડપી બોલર મેઘના સિંઘે બાંગ્લાદેશી ઓપનર મુર્શીદા ખાતુનને આઉટ કરી હતી.


