તરૌબા (ત્રિનિદાદ)
કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જ ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા મળી જશે તેવી તિક વર્માને અપેક્ષા ન હતી પરંતુ પોતાનું સ્વપ્ન સાકાર થયા બાદ હૈદરાબાદનો આ બેટ્સમેન હવે આગામી વર્લ્ડ કપ જીતવાની અપેક્ષા ધરાવે છે. ૨૦૨૦માં અંડર-૧૯ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં રમેલા ૨૦ વર્ષના તિલક વર્માએ ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી૨૦ મેચમાં ૨૨ બોલમાં ૩૯ રન ફટકારીને સૌને પ્રભાવિત કર્યા હતા. ભારતીય ટીમ માટે તે પહેલી વાર ઇન્ટરનેશનલ મેચમાં રમી રહ્યો હતો. જાેકે આ મેચમાં ભારતનો ચાર રનથી પરાજય થયો હતો. તિલક વર્માએ જણાવ્યું હતું કે દરેક ક્રિકેટરનું એક સ્વપ્ન હોય છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી કારકિર્દીમાં આટલી વહેલી મને તક મળી જશે કેમ કે અંડર-૧૯ વર્લ્ડ કપ બાદ કોવીડની સમસ્યા આવી હતી તેથી મને લાગ્યું હતું કે તક મળે ત્યારે પરફોર્મ કરીશ. ૨૦૨૩ની આઇપીએલની સિઝનમાં તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો જેમાં તેણે ૪૨.૮ની સરેરાશથી ૩૪૩ રન ફટકાર્યા હતા. તેણે અગાઉ ૨૦૨૨માં ૧૪ મેચમાં ૩૯૭ રન નોંધાવ્યા હતા. બાળપણથી જ મારો લક્ષ્યાંક ભારત માટે વર્લ્ડ કપ જીતવાનો રહ્યો છે. હું હંમેશાં કેવી રીતે વર્લ્ડ કપ જીતી શકાય તે અંગે જ વિચારતો રહ્યો છું. હું એ રીતે જાેઉ છું કે હું બેટિંગ કરતો હોઇશ અને ભારત વર્લ્ડ કપ જીતશે તેમ તિલક વર્માએ જણાવ્યું હતું. તિલક વર્મા હાલમાં ભારતની ટી૨૦ ટીમમાં છે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ જૂન ૨૦૨૪માં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં સંયુક્તપણે યોજાનારો છે ત્યારે તિલક વર્માને હાલમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમવાનો આગામી વર્લ્ડ કપમાં લાભ થઈ શકે તેમ છે. આ સિરીઝમાં ભારતને અંતિમ બે ટી૨૦ મેચ અમેરિકાના ફ્લોરિડા ખાતે રમવાની છે.


