હોલિવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર કપલ એન્જેલિના જાેલી અને બ્રાડ પિટની મોટી પુત્રી શિલોહ જાેલી-પિટે તેના છેલ્લા નામમાંથી ‘પિટ’ દૂર કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિલોહ જાેલી-પિટે તેના જન્મદિવસ પર કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જે દર્શાવે છે કે તે પુખ્ત બનતાની સાથે જ આ ફેરફાર કરવા માંગે છે.
શિલોહ અને તેના પિતા બ્રાડ પિટ વચ્ચેના સંબંધો વણસેલા હોવાના અહેવાલ સાથે, આ પગલા પાછળના કારણો વિશે અટકળો કરવામાં આવી રહી છે. શિલોહ એન્જેલીના અને બ્રાડ પિટની એક માત્ર સંતાન નથી, જેણે ‘પિટ’ સરનેમ હટાવી દીધી છે. તેમની પુત્રી ઝહરાએ પણ સ્પેલમેન કોલેજમાં અભ્યાસ કર્યો, જે ઝહરા માર્લી જાેલી તરીકે ઓળખાય છે. તેમની બીજી ૧૫ વર્ષની પુત્રી વિવિએન પણ ‘પિટ’ નો ઉપયોગ કરવાનું ટાળે છે.
૨૦૧૬માં એન્જેલીના જાેલી અને બ્રાડ પિટના અલગ થવાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. તેના ૬ બાળકોની કસ્ટડીને લઈને ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જાેકે, ન્યાયાધીશે ૨૦૨૧ માં સંયુક્ત કસ્ટડીનો આદેશ આપ્યો હતો. એન્જેલિનાએ ૨૦૧૬ માં બ્રાડ પિટથી છૂટાછેડા માટે અરજી કરી હતી. એન્જેલીનાની લીગલ ટીમે ૨૦૨૨માં દાવો કર્યો હતો કે બ્રાડ પિટે ફ્લાઇટમાં તેની અને બાળકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો તેમજ હુમલો કર્યો હતો.