Entertainment

હોલિવૂડ ફિલ્મની ઓફર રિજેક્ટ કરી હોવાનો કેટરિનાને અફસોસ છે

કેટરિના કૈફે ગ્લેમર જગતમાં આગવી ઓળખ ઊભી કરી છે. એક્ટિંગ સ્કિલથી માંડીને રેડ કાર્પેટ એપિયરન્સ સુધીના દરેક તબક્કે કેટરિનાના વખાણ થયા છે. કેટરિનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અગાઉ હોલિવૂડ ફિલ્મની ઓફર થઈ હતી. સંજાેગો અનુકૂળ ન હોવાથી ઓફર સ્વીકારી શકી ન હતી, પરંતુ આગામી સમયમાં હોલિવૂડની સારી ઓફર મળવાની આશા કેટરિનાએ વ્યક્ત કરી હતી. કેટરિનાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં હોલિવૂડની ઓફર મળશે તેવો વિશ્વાસ છે અને તેનાથી મારી કરિયરમાં નવું સોપાન ઉમેરાશે. એક્ટિંગ ઉપરાંત કેટરિનાને સારી ડાન્સર ગણવામાં આવે છે.

કેટરિનાએ સ્વીકાર્યું હતું કે, ડાન્સિંગ સ્કિલે તેની કરિયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કથક નૃત્ય અભિવ્યક્તિનું સચોટ માધ્યમ છે અને તે ડાન્સ કરતાં વિશેષ છે. કથકમાં વ્યક્તિ પોતાની સંવેદનાને નૃત્યના માધ્યમથી રજૂ કરે છે. કથકના કારણે ફિલ્મોમાં કરિયરનો પાયો નંખાયો હતો. સિનેમાની ભાષા અને લાગણી સમજવાની ક્ષમતા કથકે આપી હતી. શરૂઆતના તબક્કામાં પોતે ખૂબ નાની અને અણસમજુ હતી. મહિલા કે યુવતી તરીકે પોતાની ઓળખ કઈ રીતે ઊભી કરવી તેની સમજણ ન હતી. આ સમયે કથક નૃત્યએ અવાજ બનીને મદદ કરી હોવાનું કેટરિનાએ સ્વીકાર્યું હતું.