Gujarat

મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાતા મોરબી-માળિયાના 20 ગામોને એલર્ટ કરાયા, રાજસ્થાનમાં મતદાનને પગલે માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રહેશે

મોરબીના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા આજે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. તેવી માહિતી ડેમ અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.

મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી), હરીપર અને ફતેપર એમ બે તાલુકાના 20 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે.

લોકસભા ચુંટણી ચાલી રહી છે અને રાજસ્થાનમાં 26 એપ્રિલના રોજ મતદાન હોવાથી તારીખ 26 અને 27 એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મોરબી માર્કેટિંગ યાર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં તારીખ 26 એપ્રિલને શુક્રવારે લોકસભા ચૂંટણીનાં મતદાન હોવાથી શ્રમિકો રાજસ્થાન મતદાન કરવા જવાના હોવાથી તારીખ 26 અને 27 એમ બે દિવસ અનાજ વિભાગમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ તા. 29ને સોમવારથી રાબેતા મુજબ હરાજીનું કામ શરુ કરવામાં આવશે. જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને એજન્ટ ભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે.