Gujarat

2જી નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સમાં 14 મેડલ જીત્યા; 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ: ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’

દર વર્ષે આજ રોજ એટલે કે 21 માર્ચના રોજ વિશ્વમાં ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજે ઉજવવામાં આવતા ડાઉન સિન્ડ્રોમ દિવસની થીમ ‘સ્ટીરિયોટાઇપ્સનો અંત લાવો’ રાખવામાં આવી છે. તે પહેલા નેશનલ લેવલ પર ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકો અને મોટેરાઓ માટે હરિયાણાના ગુરૂગ્રામ ખાતે નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના આઠ બાળકો બોચી સોફ્ટબોલ, સ્કેટિંગ, સ્વિમિંગ, વોકિંગરેસ દોડ જેવી રમતમાં વિવિધ મેડલ્સ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોને સ્પેશિયલ ચાઇલ્ડની કેટેગરીમાં મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય બાળકો મેડલ્સ લાવવામાં સક્ષમ હોય છે, ત્યારે ગુજરાતના આથ બાળકોએ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

દર હજાર બાળકે એકને ડાઉન સિન્ડ્રોમ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં 21 માર્ચના દિવસને વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમ એક જન્મજાત તકલીફ છે જેના કારણે આ ધરાવતાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સામાન્ય બાળકોની તુલનામાં ધીમી ગતિએ થાય છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓનો દેખાવ પણ સામાન્ય કરતા થોડોક અલગ હોય છે. આ એક જન્મજાત ખામીને કારણે થાય છે.

યુએન આંકડા અનુસાર દર 1000 જીવંત બાળકોમાંથી એક બાળકમાં ડાઉન સિન્ડ્રોમ હોય છે, એટલે કે દર વર્ષે વિશ્વભરમાં ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકો જન્મ લે છે. ભારતમાં પણ ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે. આ પ્રકારના સ્પેશિયલ ચાઇલ્ડમાં માનસિક વિકાસ સહિત શારીરિક વિકાસ ખૂબ જ ધીમી ગતિએ થાય છે તથા તે બાળકો કેટલીક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિયતા દર્શાવે છે. તેમણે ખૂબ જ ઝડપથી ગુસ્સો પણ આવી જતો હોય છે.

ડાઉન સિન્ડ્રોમ એટલે શું?

ડાઉન સિન્ડ્રોમ એક આનુવંશિક રંગસૂત્રો દ્વારા થતી ખામી છે, બાળકોમાં જન્મજાત હોય છે. ડાઉન સિન્ડ્રોમને ટ્રાઈસોમી 21 પણ કહેવાય છે. ડાઉન્સ સિન્ડ્રોમએ આનુવંશિક વિકાર છે, જ્યારે અસામાન્ય કોષ વિભાજન રંગસૂત્ર 21 (ટ્રાઇસોમી 21)માંથી વધારાની આનુવંશિક સામગ્રીમાં પરિણમે છે, ત્યારે બાળક ડાઉન સિન્ડ્રોમનો શિકાર બને છે.

ડાઉન સિન્ડ્રોમ ધરાવતા વ્યક્તિઓમાં તબીબી સારવારથી સુધારો લાવી શકાય, પરંતુ તે જીવનભર તેનો ઉપચાર કરી શકાતો નથી. ડાઉન્સ સિન્ડ્રોમ ચહેરાના અલગ દેખાવ, બૌદ્ધિક વિકલાંગતા અને વિકાસમાં વિલંબનું કારણ બને છે. તે થાઇરોઇડ અથવા હૃદયરોગ સાથે સંકળાયેલું હોઈ શકે છે.

આવા બાળકો તથા વયસ્કોને સ્પોર્ટ્સ ટ્રેનિંગ

ગુજરાત ખાતે અમદાવાદ શહેરમાં ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો તથા વયસ્કોને સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપીને તેમને અન્ય બાળકો સાથે કોમ્પિટિશનમાં ઉતરી શકે તે રીતે સક્ષમ બનાવવા માટે એકેડેમી ચલાવવામાં આવે છે. જેમાં વિવિધ રમતગમત દ્વારા ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.

ત્યારે નેશનલ લેવલ પર ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં વ્યક્તિઓ માટે 15 અને 16 માર્ચ 2024ના રોજ હરિયાણા રાજ્યના ગુરુગ્રામ ખાતે 2જી નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી આઠ બાળકોએ તેમાં ભાગ લીધો હતો. ગુજરાતના તમામ બાળકોએ વિવિધ ગેમમાં 14 જેટલા મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

બોર્ન એથ્લેટ્સ સ્પોર્ટ્સ એકેડેમીમાં 15 બાળકો

અમદાવાદ ખાતે બોર્ન એથ્લેટ્સ સ્પોર્ટ્સ એકેડેમી ફોર સ્પેશલ એન્ડ ચિલ્ડ્રનમાં હાલમાં 15 જેટલા ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકો છે, જેમાંથી આ બાળકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024માં કર્યુ હતું.

જેમાં ગુજરાતના નામે મેડલ નોંધાયા છે. જેમાંથી 2 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ ગુજરાતના નામે થયા છે. નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024 માં 100 મીટર દોડ, સ્વિમિંગ, સ્કેટિંગ, બોચી, બેડમિંન્ટન જેવી રમતમાં ગુજરાતના બાળકોને મેડલ મળ્યા છે.

ડાઉન સિન્ડ્રોમ બાળકોને ટ્રેઈનિંગ આપવી થોડી મુશ્કેલ

ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોને નેશનલ ગેમ્સ માટે તૈયાર કરનાર સિદ્ધાર્થસિંહ રાજપૂતે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, “સ્પેશિયલ ચાઇલ્ડ અને તેમાં પણ ખાસ કરીને ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોને કોઈ પણ રમત માટે ટ્રેનિંગ આપવી સામાન્ય બાળકોની તુલનામાં થોડી મુશ્કેલ હોય છે.

કારણ કે સામાન્ય બાળકોને એકથી બે વખત શીખવવામાં આવ્યા બાદ સમજીને જાતે વસ્તુ કરે છે, પરંતુ ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોને વારંવાર એકની એક વસ્તુ ખૂબ જ શાંત દિમાગથી શીખવી પડે છે, ત્યારબાદ તે જ પ્રવૃત્તિ તેઓ દોહરાવતા હોય છે. સ્પેશિયલ ચાઇલ્ડમાં સામાન્ય બાળકોની તુલનામાં ગુસ્સાનું પ્રમાણ પણ વધુ હોય છે, તેથી તેમને ખૂબ જ ખુશ રાખીને શાંત મગજથી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવા જોડવા પડતા હોય છે.”

ગેમ રમવા પ્રત્યે ઉત્સાહ હોવો જોઈએ

ડાઉન સિન્ડ્રોમ અવસ્થાગ્રસ્ત વિદ્યાર્થી યુગ સોનીએ જણાવ્યું હતું કે, “મને ખૂબ જ આનંદ મળે છે. તેમાં પણ મેડલ જીત્યા બાદ ખુશીમાં વધારો થયો છે. અને અન્ય બાળકોમાં પણ ગેમ રમવા પ્રત્યે ઉત્સાહ હોવો જોઈએ. મારા સિવાય પણ બાકીના સ્પેશિયલ ચાઇલ્ડને રમતગમતમાં આગળ વધીને દેશનું નામ રોશન કરવું જોઈએ. મારી પણ ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ લેવલ પર ગેમ્સમાં ભાગ લઇને આપણા દેશનું નામ રોશન કરી શકું.”

અમારા બાળકમાં એક્સ્ટ્રા હુન્નર

ડાઉન સિન્ડ્રોમની અવસ્થા ધરાવતા એક બાળકના માતા એ જણાવ્યું હતું કે, “મારા બે બાળકો છે, જેમાંથી મોટો દીકરો ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. જ્યારે અન્ય બાળક સામાન્ય છે. પરંતુ મોટા દીકરાને ડાઉન સિન્ડ્રોમ હોવાથી તેની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ થતો નથી, તે અમારા માટે મોટી જ છે અને તેણી મેડલ જીતીને ફક્ત મારા પરિવારનું જ નહી, પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે. અમારા તરફથી તેને સંપૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કારણ કે ડાઉન સિન્ડ્રોમને ટ્રોમોસોમી 21 એક્સ્ટ્રા ક્રોમોસોમ કહેવાય છે. તેમાંથી એક્સ્ટ્રા છે, તે જ પ્રકારે અમારા બાળકમાં પણ એક્સ્ટ્રા હુન્નર છે. તેને કારણે કંઈક એક્સ્ટ્રા કરી બતાવવાની તેમનામાં ક્ષમતા છે. તેને કારણે મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ભવિષ્યમાં દેશનું નામ રોશન કરી શકે તેટલી ક્ષમતા છે. બાળકમાં ડાઉન સિન્ડ્રોમ તે કોઈ ખામી નથી, પરંતુ તે ભગવાનને વધુ આપ્યું છે. તેથી બાળકને સારી ટ્રેનિંગ આપવાથી તે સામાન્ય બાળકની જેમ વર્તી શકે છે.