રાજ્ય સરકાર તેમજ વન વિભાગ દ્વારા એક તરફ પર્યાવરણ બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા તેમજ લોકજાગૃતિ માટે સતત પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તો બીજી તરફ છેવાડાના તાલુકામાં લાંબા સમયથી ખાનગી કંપનીઓ દ્વારા આડેધડ ઉભી કરવામાં આવતી પવનચક્કીઓને લઈને મોટી સંખ્યામાં અનેક વૃક્ષોનું નિકંદન કરાતું હોવાની ફરિયાદ છે, ત્યારે હરીયાળી જળવાઈ રહે તે માટે આ વિસ્તારમાં કચ્છ જલધારા સંઘ, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ તથા ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે “પ્રાણવાયુ વૃક્ષારોપણ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક લોકોના સહયોગથી અલગ અલગ જગ્યાએ તેમજ હાઇવે માર્ગની બંને બાજુઓએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં અંદાજિત બાર હજાર જેટલા વૃક્ષો વાવવાના લક્ષ અંતર્ગત 3 હજાર કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી પાનેલી તરફ જતા હાઇવે માર્ગ પર યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત જીએમડીસી પાનધ્રોના મહોબતસિંહ માણેક, વન વિભાગના માવજીભાઈ આહીર તેમજ દયાપર મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ગુલામ મુસ્તફા બાવા, વેપારી એસોના પ્રમુખ દિલીપ જણસારી, જયંતીલાલ લીંબાણી, અનિલ સોની,ભવાનભાઈ પટેલ સહિતના લોકોએ જણાવ્યું હતું કે લખપત તાલુકામાં સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના કાર્યને બિરદાવ્યું હતું. તેમજ વર્તમાન સમયમાં પર્યાવરણને બચાવવા માટે વધુ સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે લોકોને પણ સહયોગ આપવા જણાવ્યું હતું
સંસ્થાના કેશવલાલ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, અત્યાર સુધી લખપત તાલુકામાં અલગ અલગ ગામોમાં અંદાજિત બાર હજાર જેટલા વૃક્ષો હાઇવે માર્ગની બંને બાજુ વાવેતર કરવાનું લક્ષ છે જે પૈકી અત્યાર સુધી ઘડુલીથી સિયોત, કટેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રણ હજાર કરતાં પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી તેને ફરતે પિંજરાઓ મૂકી અને નિયમિત પાણી આપવામાં આવે છે અહી યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં તાલુકા કિસાન સંઘના પ્રમુખ ધનજીભાઈ પટેલ, પરસોતમ વાડીયા, મોહનસિંહ જાડેજા, ઉરસભાઈ નોતીયાર, તુલસીદાસ પટેલ, રમેશ અનમ તેમજ પાનેલીના ચંદુલાલ પટેલ, શાંતિલાલ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહી અને અલગ અલગ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.