વિદેશી જવાની ઘેલછામાં લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક સહિત પાંચ લોકોને યુકેના વર્ક પરમીટ વિઝા 45 દિવસમાં આપવાની કહીને પાંચ લોકો પાસેથી 79.30 લાખ પડાવવામાં આવ્યા હતા. પૈસા લીધા બાદ કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે વિઝા કંપનીના ડાયરેક્ટર અને કર્મચારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શ્યામલ ક્રોસ રોડની ઓફિસે પીડિત ગયા હતા ગાંધીનગરમાં રહેતા ભાર્ગવ લિંબચિયાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે વિઝા કન્સલ્ટિંગનું કામ કરે છે. 2023માં તેમને યુકે જવાનું હોવાથી સોશિયલ મીડિયા થકી i4ગ્લોબલ કંપની જે બેંગ્લોરની કંપની છે, તેનો સંપર્ક કર્યો હતો. જેની બ્રાન્ચ શ્યામલ ક્રોસ રોડ ખાતે આવેલી હતી. જેથી ભાર્ગવભાઈ ત્યાં રૂબરૂ મળવા ગયા હતા. ત્યારે તેમને 45 દિવસમાં યુકેના વર્ક પરમિટ વિઝા આપવાની ગેરંટી આપવામાં આવી હતી. આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે જુહલ સિરાજ અને શ્રીજીસ પી શંકરણ પણ હતા. જે કંપનીમાં ડાયરેક્ટર તરીકે છે અને કર્ણાટકમાં રહે છે.
એક મહિનામાં વિઝા આવી જશે કહી નાણાં પડાવ્યા 45 દિવસમાં વિઝા માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જેથી ભાર્ગવભાઈએ શરૂઆતમાં 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ કંપની વાળાઓએ જણાવ્યું હતું કે, હવે તમારું બાકી રહેલું પેમેન્ટ આપી દો. જેથી ભાર્ગવભાઈએ 13 લાખ અને 4 લાખ એમ ટુકડે-ટુકડે 20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે તેમને કહ્યું હતું કે, એક મહિનામાં તેમના વિઝા આવી જશે. જોકે, એક મહિનામાં વિઝા.ના આવતા તેમણે ફોન કરતા કંપનીના ડાયરેક્ટર હોય જણાવ્યું હતું કે, થોડાક સમયમાં વિઝા આવી જશે. પરંતુ વિઝા ના આવતા ભાર્ગવભાઈએ પૈસા પરત માંગ્યા ત્યારે તેમને 1 લાખ રૂપિયા પરત આપ્યા અને બાકીના 19 લાખ પરત આપેલો ન હતા.
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તેમણે કંપનીની અમદાવાદની ઓફિસ ખાતે જઈને તપાસ કરી ત્યારે જાણ થઈ કે ધર્મેન્દ્ર સોલંકીના 16.30 લાખ,મિતેશ પટેલના 25 લાખ,આતીફ શેખના 16 લાખ અને વિશાલ પટેલના 3 લાખ વીઝા આપવાના બહાને લઇ લીધા છે. પરંતુ તેમને વિઝા આપ્યા નથી. આમ કુલ પાંચ લોકોને વિઝા આપવાનું કહીને 79.30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. કંપનીની ઓફિસ પણ બંધ કરી દીધી છે. જેથી કંપનીના બંને ડાયરેક્ટર વિરુદ્ધમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.