ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના બારોઇ માર્ગે આજે રવિવાર સવારે ભંગારના વાડામાં આગ ભડકી ઉઠી હતી. જાહેર માર્ગે લાગેલી આગના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ગભરાટમાં આવી હાથ લાગ્યા સાધન વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે મુન્દ્રા પોલીસે જાનહાની ના સર્જાય તે માટે લોકોને રોકી ફાયર વિભાગને મદદ માટે બોલાવી લેતા રાહત ફેલાઈ હતી.
અલબત્ત આગ લાગવા પાછળનું કારણ અંકબંધ રહ્યું છે પરંતુ આગ લાગવાથી ભંગારનો સામાન બળીને ખાક થઈ જતા વ્યાપક નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગને પાલિકા અને અદાણીના ફાયર ફાયટર દ્વારા કાબુમાં લેવામાં આવી છે.
મુન્દ્રાના બારોઇ નજીક જાહેર માર્ગે આવેલા કમલેશ ઝીણા સથવારાના ભંગારના વાડામાં આજે સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ મુન્દ્રા પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગની મદદ લેવાઈ હતી.
તપાસમાં ગયેલા પોલીસ જમાદાર મથુરભાઈ ઉદેચાએ કહ્યું હતું કે, સૌ પ્રથમ તો ઘટનાસ્થળે આસપાસના લોકો વાડાની અંદર જઈ બાલદીઓમાં પાણી ભરી આગ ઉપર ઢોળતા હતા, તેમને સલામતી માટે રોકવામાં આવ્યાં હતા, અને તુરંત સ્થાનિક નગરપાલિકા અને અદાણી ફાયરના બન્ને ફાયરને જાણ કરતા બન્નેના ફાયટર મશીનો દોડી આવ્યાં હતા અને એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. સદભાગ્યે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.