Gujarat

જેતપુરમાં ટ્રકની ઠોકરે ઈ-બાઈક ચડી જતાં લોહાણા વેપારીનું મોત

જેતપુરમાં સરદાર ચોક પાસે ટ્રકની ઠોકરે ઈ-બાઈકના ચાલક કરિયાણાના વેપારીનું કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જેતપુરમાં ગુજરાતીની વાડી ગોકુલનગર-૧ માં રહેતાં મનોજભાઈ કનૈયાલાલ સાંગાણી (ઉ.વ.૩૯) એ જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમરનગર રોડ,વિવેકાનંદ સ્કુલ પાસે આશિર્વાદ પ્રોવિઝન નામની દુકાન ચલાવી વેપાર કરે છે. તેઓ ત્રણ ભાઈ અને એક બહેન છે. જેમાં સૌથી મોટા ભાવનાબેન તેનાથી નાના હિતેસભાઈ, ગીરીશભાઈ અને પોતે સૌથી નાના છે. ગઈ તા.૨૨/૦૪/૨૦૨૪ ના બપોરના સમયે તેઓ દુકાને હતાં અને તેના પિતા કનૈયાલાલ ત્રિભોવનદાસ સાંગાણી (ઉ.વ.૬૬) દુકાને માલ-સામાન મુકી પરત ઘરે જવા બેટરી વાળુ ઇલેકટ્રીક બાઈક નં. જીજે-૦૩-એનજે-૮૮૧૩ લઈ નિકળેલ થોડી વારમાં તેમના મોટાભાઈ હિતેશભાઈએ ફોન કરી કહેલ કે, પિતાનું જેતપુર, સરદાર ચોક પાસે, રજવાડી પાઉભાજી દુકાનની સામે ટ્રક સાથે અકસ્માત થયેલ છે.
જેથી તેઓ સરકારી હોસ્પિટલ દોડી ગયેલ અને તેઓના પિતાને કમરના ભાગે અને પીઠના ભાગે ઇજાઓ થયેલ હતી. બાદમાં તેઓને વધું સારવાર અર્થે રાજકોટ સારવાર ખસેડતાં હતાં ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. બાદમાં તેઓને ગોંડલ હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. જેથી ફરિયાદીના પિતા કનૈયાલાલ ત્રિભોવનદાસ સાંગાણીની બાઈકને ટ્રક નં. ટીએન.૫૨.એએ.૫૨૭૯ માં ચાલકે હડફેટે ચડાવી મોતને ઘાટ ઉતારી દિધા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.