Gujarat

વડોદરા મઘ્યસ્થ જેલમાંથી પેરોલ લઈ એક વર્ષથી નાસી છુટેલો આજીવન કેદનો આરોપી ઝડપાયો

રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમે જેતપુરના રમેશ ચાવડા (ઉ.૪૭)ને મહારાષ્ટ્રના પુણાથી દબોચી લીધો
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જુદા જુદા ગુનામાં નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ કરી નાસી છુટેલા કેદીઓને ઝડપી પાડવા સુચના આપી હોય જેને અનુસરી રૂરલ એલસીબીની ટીમે વડોદરા મઘ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરી એક વર્ષથી નાસી છુટતા તેને મહારાષ્ટ્રના પુણાથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ રૂરલ.એસપીની સુચનાને ઘ્યાને લઇ રૂરલ ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.વી.ઓડેદરા જુદી જુદી ટીમો બનાવી કાર્યરત હોય ત્યારે ટીમના પીએસઆઇ ડી.જી.બડવા અને દિવ્યેશ સુવા, નિલેશ ડાંગર, રાજુ સાંમળા, હરેશ પરમાર સહીતનાને મળેલ બાતમી અનુસાર રાજકોટ રેલવે પોલીસ મથકમાં નોંધાયેલ ખુનના ગુનામાં વડોદરા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો રમેશ નરસિંહ ચાવડા (ઉ.૪૭, રહે. જેતપુર બોખલા દરવાજા હુસેની ચોક) જેલમાંથી પેરોલ લઇ છુટયા બાદ એક વર્ષથી ફરાર હોય અને તે મહારાષ્ટ્ર રાજ્યના પુણા જીલ્લાના રાંજણ ગામે સંતાયો હોય તેવી બાતમી મળતા તેના આધારે દરોડો પાડી રમેશ ચાવડાને દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ઘરી છે.