વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આગેવાની વાળી કેનેડીયન સરકારે એક મોટો ર્નિણય લીધો છે જેમાં ઈરાનના આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. કેનેડા સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી યાદીમાં આઈઆરજીસીનો સમાવેશથી એક મજબૂત સંદેશ ગયો છે કે કેનેડા આઈઆરજીસીની તમામ આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. કેનેડાના આ પગલા બાદ હવે નજર ઈરાન પર છે. જો કે ઈરાન દ્વારા આ બાબતે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
આઈઆરજીસી ઈરાનનું સૌથી ખતરનાક સંગઠન છે. ઇસ્લામિક ક્રાંતિ પછી તેની સ્થાપના કરવામાં આવી હતી. તે પરંપરાગત સેના જેવું નથી. આ ઈરાનનું વૈકલ્પિક બળ છે. તેમાં ૧.૯૦ લાખ સૈનિકો છે. તેના સૈનિકો નેવી, આર્મી અને એરફોર્સમાં સેવા આપે છે તે ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમો પણ ચલાવે છે.
તે સમયે તે ખૂબ જ નાનું લશ્કર હતું. તેમાં એવા લોકો સામેલ હતા જેઓ દેશમાં ઇસ્લામિક ક્રાંતિ ઇચ્છતા હતા. ઈરાન પહેલા ખૂબ જ આધુનિક દેશ હતો. બાદમાં જ્યારે અહીં ઈસ્લામિક કાયદા લાગુ કરવામાં આવ્યા ત્યારે તેનો ઘણો વિરોધ થયો હતો. આ પછી ઈરાનના આ સમૂહે આ કાયદાને માન્ય ગણાવ્યો.
છેલ્લા ઘણા સમયથી કેનેડામાં ઈરાનની આઈઆરજીસીને બ્લેકલિસ્ટ કરવાની માંગ થઈ રહી છે. વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટી વડા પ્રધાન ટ્રુડો પાસે આઈઆરજીસીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી રહી હતી. કેનેડાનું કહેવું છે કે માનવ અધિકાર તેમનો મુખ્ય મુદ્દો છે.
જો સૂત્રો નું માનવામાં આવે તો, કેનેડા બાદ હવે બ્રિટન અને યુરોપિયન યુનિયન ઈરાનના આ વિશેષ દળને ટૂંક સમયમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે.