Gujarat

જામનગરમાં લીફટમાં માથું ફસાઇ જતાં સગીરનું મોત‎

જામનગરમાં લીફટમાં માથું ફસાઇ જતાં સગીરનું મોત નિપજતા ભારે અરેરાટી સાથે ચકચાર જાગી છે. શહેરમાં રણજીતનગરમાં આવેલા પટેલ સમાજમાં રસોડાની પાછળના ભાગે આવેલી માલસામાન હેરફેરની લીફટમાં આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ તરૂણને બેશુધ્ધ અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક કેટરીંગમાં સર્વિસ બોય તરીકે કામ કરતો હતો. તરૂણના મૃત્યુથી પરિવાર પર વ્રજઘાત થયો છેે.

જામનગરમાં રણજીતનગરમાં આવેલા પટેલ સમાજમાં શુક્રવારે સાંજે સામાજીક પ્રસંગ હતો. આ દરમ્યાન કેટરીંગના ધંધાર્થીઓ દ્રારા રસોડામાં કામકામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન સાંજે 8 વાગ્યાની આસપાસ પટેલ સમાજમાં રસોડાની પાસે આવેલી માલસામાનની હેરફેરની લીફટમાં કેટરીંગમાં સર્વિસબોય તરીકે કામ કરતો તોસીફ અહેમદ મકવાણા (ઉ.વ.17)નું માથું ફસાઇ ગયું હતું. આથી તેણે બૂમાબૂમ કરતા તેની સાથે કામ કરતા લોકો દોડી આવ્યા હતાં.

બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. આથી ફાયરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તરૂણને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે સગીરને બહાર કાઢયો હતો અને 108 મારફત હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. લીફટમાં માથું ફસાઇ જતાં તરૂણનું મૃત્યુ થવાથી પરિવારજનો પર વ્રજઘાત થયો છે તો આ બનાવથી શહેરભરમાં ભારે અરેરાટી સાથે ચકચાર જાગી છે.

25 મીનીટનું રેસ્કયુ, હાઇડ્રોનીક ટુલ્સની મદદથી જગ્યા કરી સગીરને બહાર કાઢયો

પટેલ સમાજમાં રસોડા પાસે આવેલી માલસામાન હેરફેરની લીફટમાં જાળી અને એન્ગલ વચ્ચે તરૂણનું માથું ફસાઇ ગયું હોય ફાયરના જવાનાઓએ હાઇડ્રોનીક ટુલ્સની મદદથી એન્ગલ અને જાળીમાં જગ્યા કરી લીફટ થોડી ઉપર બોલાવી તરૂણને દોરડા વડે મહામહેનતે બહાર કાઢયો હતો. 25 મીનીટ રેસ્કયુ ઓપરેશન ચાલ્યું હતું. આમ છતાં તરૂણનું મૃત્યુ નિપજયું હતું.