Gujarat

ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને જમીન આપ્યા

કોંગ્રેસ નેતાને મળી મોટી રાહત

કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં કર્ણાટક ની બેંગલુરુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં બેંગલુરુની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. આ મામલો ભાજપના નેતાઓ વિરુદ્ધ ખોટી જાહેરાતોના આરોપો સાથે સંબંધિત છે. ડીકે સુરેશના બોન્ડ પર રાહુલ ગાંધી જામીન મળી ગયા છે. આ કેસની આગામી સુનાવણી ૩૦ જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હતી.

આ માનહાનિના કેસમાં ૧ જૂને કોર્ટે સિદ્ધારમૈયા અને શિવકુમારને જામીન આપ્યા હતા. દરમિયાન કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે. આમાં કોઈ અર્થ નથી. જ્યારે જસ્ટિસ કેએન શિવકુમારે રાહુલ ગાંધીને ૭ જૂને વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો.

ગયા અઠવાડિયે કેસની સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના વકીલે તેમના અસીલ માટે હાજર રહેવામાંથી મુક્તિ માટે અરજી કરી હતી. જો કે, ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે મુક્તિને વારંવાર મંજૂરી આપવી જોઈએ નહીં.

આ કેસની વાત કરીએ તો, કર્ણાટક ભાજપ દ્વારા અખબારોમાં અપમાનજનક જાહેરાતો આપવા બદલ કોંગ્રેસના નેતાઓ સામે કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા આપવામાં આવેલી જાહેરાતમાં, રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર તેના ૨૦૧૯-૨૦૨૩ના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અંગે ભાજપ કોર્ટમાં પહોંચ્યું હતું.

આજે સવારે રાહુલ બેંગલુરુ પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિતના ટોચના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે સિટી સિવિલ કોર્ટમાં હાજર થયા હતા. શુક્રવારે તેઓ ક્વીન્સ રોડ પરના ભારત જોડો ભવનમાં કોંગ્રેસના નવા ચૂંટાયેલા સાંસદો અને રાજ્યમાંથી પરાજિત ઉમેદવારો સાથે વાત કરવાના છે. આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ હાજર રહેશે.