તારાપુરના ગલિયાણા ગામે યુવકે કૂવામાં પડી આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે યુવાનને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવા મજબૂર કરનારા ગામના જ બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તારાપુર તાલુકાના ગલિયાણા ગામે વાઘેલા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ ભાણાભાઈ વાઘેલાના નાના ભાઈ નટુભાઈની લાશ ગામના ખારાકૂવામાંથી લાશ મળી હતી.
બાદમાં તારાપુર પોલીસે અકસ્માતે મોત દાખલ કર્યા બાદ પરિવારે મૃતદેહની અંતિમક્રિયા કરી હતી. ત્યારબાદ પ્રવીણભાઈ ભાણાભાઈ વાઘેલા તારાપુર પોલીસ મથકે ઘટના સંદર્ભે નિવેદન લખાવવા આવતા તારાપુર પોલીસ પાસેથી જાણવા મળેલ કે, મરણ જનાર નટુભાઈ વાઘેલાએ પોલીસ કંટ્રોલરૂમ આણંદ ખાતે વર્ધી લખાવી હતી.
જેમાં ગામના જ વિજયભાઈ ગાંગાભાઈ વાઘેલા, મણીબેન ગણેશભાઈ વાઘેલા, મધુબેન વિનોદભાઈ વાઘેલા તથા ભાનુબેન કાન્તિભાઈ વાઘેલા તમામ રહે. વાઘેલા વાસ, ગલીયાણા, તા.તારાપુરવાળાએ નટુભાઈને ત્રાસ આપી હેરાન કરતા હોવાથી કંટાળી જઈ આપઘાત કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
જેથી પોતાના નાનાભાઈ નટુભાઈ વાઘેલાએ ગામના ચાર ઈસમો દ્વારા ત્રાસ અને હેરાન કરવાના કારણે કુવામાં પડી આત્મહત્યા કરેલી હોવાની જાણ થતા મોટાભાઈ પ્રવીણભાઈ ભાણાભાઈ વાઘેલા દ્વારા આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવા અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસે વિજયભાઈ ગાંગાભાઈ વાઘેલા, મણીબેન ગણેશભાઈ વાઘેલા, મધુબેન વિનોદભાઈ વાઘેલા તથા ભાનુબેન કાન્તિભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

