Gujarat

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વડિલોના સ્વાસ્થ્ય માટે ખાસ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા વડિલોના સ્વાસ્થ્ય માટે ખાસ પ્રોજેક્ટ શરૃ કરવા જઇ રહી છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના તમામ વડિલોને ઘરે જઇને દર મહિને ડોક્ટર સહિતની ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપીની સાથે તેમનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૃર પડે તો વડિલોને દવા અને જરૃરી ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવાની તૈયારી હાલ કોર્પોરેશને બતાવી છે આ નિઃશુલ્ક પ્રોજેક્ટનું બાળ મરણ ન થઇ જાય તે માટે તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફની ટીમ ઉભી કરાશે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલા ફેમેલી હેલ્થ સર્વે ઉપર નજર કરીએ તો, કુલ વસ્તી ૪.૭૦ લાખ જેટલી છે જેમા ૬૦ વર્ષથી ઉપરના ૨૨,૦૮૩ પુરુષો તથા ૨૦,૧૧૨ મહિલા મળીને કુલ ૪૨,૨૦૦ વૃધ્ધોનો સમાવેશ થાય છે.ઉંમર વધવાને કારણે વૃધ્ધોને ઘણી બિમારીઓ થતી હોય છે ત્યારે આ વૃધ્ધાના સ્વાસ્થની ચિંતા કરીને કોર્પોરેશન દ્વારા ખાસ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવનાર છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, સિનીયર સિટીઝનમાં બીપી, ડાયાબીટીસ સહિતની ઘણી બિમારીઓ અવસ્થાને કારણે હોય છે જેનું નિયમિત ચેકઅપ નહીં થવાને કારણે આ બિમારીઓની સાથે શારીરિક તકલીફો વધતી હોય છે ત્યારે આ સ્થિતિ નિવારવા માટે કોર્પોરેશન દ્વારા વયસ્કોનું ઘરે જઇને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો નવો પ્રોજેક્ટ હાથ ધરવા જઇ રહ્યું છે જે માટે ડોક્ટર્સ ઉપરાંત પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરીને ખાસ ટીમ બનાવવામાં આવશે.

સેક્ટર-૨,પેથાપુર, કોબા, સે-૨૪ તથા સુઘડ એમ આ પાંચ ટીમ તેમના વિસ્તારમાં વડિલોના હેલ્થનું ચેક અપ કરવા તેમના ઘરે જશે.જે દરમ્યાન તબીબ દ્વારા વડિલ સભ્યના આરોગ્યની તપાસણી કરશે, બીપી માપશે, રેન્ડમ બ્લડ સુગર પણ ચેક કરશે જે દરમ્યાન કોઇ બિમારી કે રોગ જણાશે તો તેમને ઘરે જ દવા આપી દેશે એટલુ જ નહીં, વધુ સારવારની જરૃર પડશે તો સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરને રિફર પણ કરવામાં આવશે જરૃર જણાશે તો જરૃરી સેમ્પલ લઇને તેને પરિક્ષણ માટે લેબ.માં પણ મોકલી આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે પાંચ વાહનોની ખરીદી સહિત કુલ ૫૪.૪૨ લાખ રૃપિયાનો ખર્ચ સમિતિ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. રાજ્યનું પાટનગર હોવાની સાથે નાનું નગર-મહાનગર તથા જિલ્લો હોવાને કારણે મોટાભાગના અખતરા એટલે કે, પાયલોટ પ્રોજેક્ટ અહીં અમલી બને છે. પાંચ વર્ષ પહેલા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વયસ્કોના આરોગ્યની ઘરે જઇને તપાસણીનો પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર શહેરમાં અમલી કર્યો હતો પરંતુ ફક્ત નામ પુરતો જ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હોય તેમ કોઇ મોનીટરીંગ કે સુપરવિઝન વગર ફક્ત ડોક્ટર તથા સ્ટાફની નિષ્ઠાથી આ પ્રોજેક્ટ શરૃઆતના સમયમાં સારો ચાલ્યો હતો.

મહિનામાં બે વખત નિયમિત વયસ્ક દર્દીઓ ની તપાસણી કરાતી હતી અને દવા પણ અપાતી હતી પરંતુ ત્યાર બાદ ડોક્ટર સહિતના સ્ટાફને બીજી જવાબદારી આપી દેવાને કારણે નગરના આ વડિલોની સંભાળ લેવા કોઇ જતુ ન હતું અને ત્યાર બાદ તો સરકાર કે આરોગ્ય વિભાગમાંથી પણ કોઇ અધિકારીએ આ બાબતે ગણકાર લીધી નહીં અને આખરે આ વડિલોના આરોગ્યની ચિંતા કરતા પાયલોટ પ્રોજેક્ટનું બાળમરણ થઇ ગયું હતું. ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવેલા ફેમેલી હેલ્થ સર્વે દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિક વિસ્તારમાં કુલ ૪.૭૦ લાખ વસ્તી હોવાનું સામે આવ્યું છે.

જે પૈકી પુરૃષોની વસ્તી ૨.૩૮ લાખ અને મહિલાઓની વસ્તી ૨.૩૧ લાખ છે. જેમાં કુલ ૪૨,૨૦૦ જેટલા સિનિયર સિટીઝન છે. જે પૈકી ૧,૫૯૭ પુરુષ એટલે કે, વૃધ્ધ જ્યારે ૧,૪૭૭ સ્ત્રી એટલે કે, વૃધ્ધા મળીને કુલ ૩,૦૪૭ વૃધ્ધો ગંભિર બિમારીઓથી પિડાતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. તેવી સ્થિતિમાં વયસ્કોના ઘરે જઇને મેડિકલ ચેકઅપ પ્રોજેક્ટ ખાસ આવા ગંભીર બિમારીથી પિડાતા વૃધ્ધ દર્દીઓ કેન્દ્રીત કરવાનું શરૃઆતનું આયોજન છે.