Gujarat

અબીલ ગુલાલની છોળો, શ્રીજી સંગ રંગે રંગાતા ભાવિકો

યાત્રાધામ દ્વારકામાં કાળિયા ઠાકોરના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાનુ અનેરૂ મહાત્મ્ય હોય છે. ફુલડોલ ઉત્સવને હવે ગણત્રીના દિવસો બાકી છે, ત્યારે દ્વારકામાં ઘીરે ધીરે યાત્રીકોનો પ્રવાહ જોવા મળી રહયો છે. દ્વારકાધીશ જગતમંદિરમાં રવિવારે હોળાષ્ટક શરૂ થતાની સાથે જ ઠાકોરજીને શ્વેત વાઘામાં વિશિષ્ટ શૃંગાર સાથે ફાગના વસ્ત્રો મહાભોગ યોજવામાં – આવી રહયા છે જે આગામી કુલડોલ ઉત્સવ સુધી જોવા મળશે. સાથે સાથે ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તથા સાંજેસંધ્યા આરતી સમયે પણ અબીલ ગુલાલની પોટલી સાથે કેસરયુકત જલ ભરેલી પીચકારી સાથે ઠાકોરજી સંગ રંગે રંગાવાનો ભાવ પ્રગટ કરાઈ રહયો છે.

મંદિરના ગર્ભગૃહમાં પુજારીગણ તેમજ મુખ્ય સભાખંડમાં ભાવિકો પણ સવારે શૃંગાર-સાંજે સંધ્યા આરતીમાં ઠાકોરજી સંગ રંગે રંગાતા જોવા મળી રહયા છે. દ્વારકામાં અત્યારથી જ ફુલડોલ ઉત્સવના માહોલ સાથે સવારે મંગલા આરતીથી બપોરે અનોસર તેમજ સાંજે ઉત્થાપનથી શયન સુધી ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળી રહી છે.જેને અનુલક્ષીને તંત્ર દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.