Gujarat

જિલ્લામાં સર્વે બાદ 49,867 માંથી 41,000 ખેડૂતો સહાયની અરજી કરી ચૂક્યા છે

જામનગર જિલ્લામાં પાક નુકસાનના બે મહિના બાદ પણ ખેડૂતોને સહાયનું ફદિયું પણ ન મળતા ભારે રોષની લાગણી ફેલાઇ છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે બાદ અસરગ્રસ્ત 49867 ખેડૂતમાંથી 41000 ખેડૂતે અરજી કરી છે. રવિવારે અરજીનો છેલ્લો દિવસ છે.

ખેડૂતોની અરજીના વેરીફીકેશન બાદ સહાયનું ચૂકવણું થશે પણ કયારે તે સળગતો સવાલ બન્યો છે. જામગનર જિલ્લામાં ઓગષ્ટ મહિનાના અંતમાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું હતું. આથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટીમ બનાવી સ્થળ પર જઇ સર્વે કરાયો હતો.

સર્વેના અંતે 49867 ખેડૂતના પાકને નુકસાન થયાનું નોંધાયું હતું. આ ખેડૂતોએ વીસીઇ મારફત પાક નુકસાનીની ઓનલાઇન અરજી કરવાની હતી. જિલ્લામાં 41000 ખેડૂતો અરજી કરી ચૂકયા છે. પાક નુકસાનીને બે મહિના થવા છતાં ખેડૂતોને સહાયનું હજુ ફદિયું પણ મળ્યું નથી.

રાજય સરકાર દ્વારા 1450 કરોડનું સહાયનું પેકેજ જાહેર કરાયું છે. પરંતુ ખેડૂતોની અરજીનું વેરીફીકેશન થયા બાદ સહાયનું ચૂકવણું કરવામાં આવશે. ત્યારે ખેડૂતોને હવે કયારે સહાય મળશે તે સળગતો સવાલ બન્યો છે. પાક નુકસાનીના બે મહિના બાદ પણ ખેડૂતોને સહાય ન મળતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.