Gujarat

મામલતદારે ચૂંટણી ફરજના ડ્રાઈવરને અપશબ્દો ઉચ્ચાર્યા, આક્ષેપ

લાલપુર મામલતદાર કચેરી વધુ એક વિવાદમાં સપડાય હોવાનુ સામે આવ્યુ છે જેમાં ચુંટણી ફરજ પરના ડ્રાઇવરે મામલતદારે અપશબ્દો ઉચ્ચારી અભદ્ર વર્તન કર્યાના આક્ષેપ સાથે ઉચ્ચકક્ષાએ ચોંકાવનારી રજુઆત કરી છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર લાલપુર તાલુકાના ખાયડીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરેશભાઇ ભીમશીભાઇ ડાંગરની ગાડી ચુંટણી ફરજમાં મામલતદાર કચેરીએ મુકવામાં આવી છે જેના ડ્રાઇવર તરીકે તેઓ ફરજ બજાવે છે.તેઓએ ચોંકાવનારી રજુઆતમાં આક્ષેપ સાથે જણાવ્યુ છેકે, ગત તા.4ના રોજ મામલતદારએ તેઓને ચેમ્બરમાં બોલાવી અશોભનીય વર્તન કર્યુ હતુ જે બાદ તા.5ના રોજ ફરિયાદી મયુર ડાંગરને પણ ગાડીમાં એસી મામલે અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કરી ધમકી પણ ઉચ્ચાર્યાનુ લેખિત રજુઆતમાં જણાવ્યુ છે.

કલાસ-ટુ અધિકારી દ્વારા કથિત અશોભનીય વર્તન મામલે ફરીયાદી દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી , જીલ્લા કલેકટર અને પોલીસ વડા સહિત ઉચ્ચકક્ષાએ લેખિત રજુઆત કરી પગલાની માંગણી કરી પ્રોટેકશન માટે પણ માંગ કરી છે.આ બનાવે લાલપુર સહિત પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે.

કથિત ઓડિયો રેકોર્ડીંગ પણ હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ અરજદાર પક્ષ પાસે મામલતદાર દ્વારા કથિત અભદ્ર વર્તન સાથે અપશબ્દો ઉચ્ચાર્યાના આક્ષેપ સાથે કથિત રેકોડીંગ ઓડીયો કિલપ પણ હોવાનુ આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ છે જેમાં ખુલ્લી ધમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનુ કહેવાયુ છે.