Gujarat

ગોંડલનાં ઘુડશીયા ગામે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ચૂંટણી પ્રચાર, સ્થાનિકો સાથે ગરબે ઘૂમ્યા

આગામી લોકસભા ચૂંટણીને લઈને ઠેર-ઠેર ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને શહેરો કરતા વધુ ગ્રામ્ય વિસ્તારનાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીયમંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે ગોંડલનાં ઘુડશીયા ગામે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા આગ્રહ કરવામાં આવતા માંડવીયા તેઓની સાથે ગરબે ઘૂમ્યા હતા.

ગામ લોકોની સાથે માંડવીયા ગરબે ઘૂમ્યા

પ્રાપ્ત વિગત મુજબ, કેન્દ્રીયમંત્રી અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા ગોંડલના ઘુડશિયા ગામે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. જેમાં પોતાને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને જોઈને તે ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને લોકોનો આભાર માન્યો હતો.

આ તકે સ્થાનિકોએ તેમને ગરબે રમવાનો આગ્રહ કર્યો હતો. જેમાં પ્રથમ તો માંડવીયાએ ઈન્કાર કર્યો હતો અને ત્યારબાદ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ગામલોકોની સાથે જ માંડવીયા ગરબે રમ્યા હતાં. જેમાં ગ્રામજનોની સાથે સાથે સ્થાનિક ભાજપનાં નેતાઓ પણ તેમની સાથે રહ્યાં હતાં.

વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીને લઈને ઠેર-ઠેર ઉમેદવારો પ્રચારમાં લાગી ચુક્યા છે. તેમજ આ ચૂંટણી માટે મતદારોને રીઝવવા ઉમેદવારો તમામ પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે જ રાજકોટમાં પરસોતમ રૂપાલા દ્વારા બુલેટ બાઈક ચલાવવામાં આવ્યું હતું અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી ભાજપનો ધ્વજ લઈને પાછળ બેઠા હતા. ત્યારે ગોંડલના ઘુડશિયા ગામે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા માંડવીયા ગ્રામજનોને ખુશ કરવા માટે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. તેમજ ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ગ્રામજનોનો આભાર માની વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.