Gujarat

થામ ગામનો ૮ વર્ષનો બાળક નહેરમાં ડૂબ્યો, ફાયર બ્રિગેડે મૃતદેહને શોધી કાઢ્યો

ભરૂચના થામ ગામનો ૮ વર્ષીય માસુમ બાળક વરસાદી નહેરના પાણી જોવા નહેરમાં જ ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના મૃતદેહને બહાર કાઢ્યો હતો.સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લા ગતરોજ પડેલા ૭ ઇંચ મુશળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં નદી, નાળાઓ, તળાવ અને નહેરો છલોછલ થઈ ગઈ હતી. બુધવારે ભરૂચ તાલુકાના થામ ગામનો ૮ વર્ષીય મહોમદ હુસેન મન્સૂરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.

એ વેળા જ બાળક પાણીમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતાં.જોકે ભારે જહેમત બાદ મહોમદ હુસેન મન્સૂરીનો મૃતદેહ હાલતમાં મળી આવતા તેમના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. જે બાબતે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.