લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરથી દોલતપર તરફ જતા હાઇવે માર્ગ પર શનિવારે વહેલી સવારે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને ઈજા થતા વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો.
દયાપરથી અંદાજે ત્રણેક કિમીના અંતરે બનેલા અકસ્માતના બનાવવામાં તાલુકાના દોલતપર ગામનો રહેવાસી મોહન ભાણજી કોલી ઉ.વ.22 શનિવારે વહેલી સવારે પોતાની બાઈક દ્વારા દયાપર તરફ આવી રહ્યો હતો, ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથેની જોરદાર ટક્કરમાં મોહન કોલીને પગના ભાગે ફેક્ચર સાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બનાવ બાદ ઘટના સ્થળે આવી પહોંચેલી 108 એમ્બ્યુલન્સના ઈએમટી સુરેશ ચાવડા તેમજ પાયલોટ ગણપતસિંહ ઇમરજન્સી 108ના ડોક્ટર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓને લઈ વધુ સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ દયાપર પોલીસને કરાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
