છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરત શહેરમાં આવતા વરસાદને કારણે જર્જરિત મકાનો ઉપર જોખમ વધી ગયું છે.
ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે બે મકાન ધરાશાયી થતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઇજા પહોંચી છે. જ્યારે એક કાર અને બે ટુ-વ્લિહરને નુકસાન પહોંચ્યું છે.
ચોમાસા દરમિયાન જૂના મકાનોમાં રહેવું ખૂબ જોખમી થઈ જાય છે. ભારે પવન સાથે વરસાદ આવે ત્યારે આ મકાનો પડી જવાની ભીતિ હોય છે. સુરત કોર્પોરેશન દ્વારા આવા જર્જરિત મકાનોને નોટિસ પણ આપવામાં આવે છે.
ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે એકાએક બે મકાનો ધરાશાયી થયા હતા. એક પાંચ માળનું મકાન અને એક ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું.
ભવાનીવડ વિસ્તાર સુરતનો કોટ વિસ્તાર અને ખૂબ જ જૂના મકાન હોવાને કારણે અહીં આવી ઘટના બનતી રહે છે. સદનસીબ બંને મકાનો ધરાશાયી થવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પાંચ માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતા હતા. જેઓ સમય સૂચકતા દાખવીને ઘરની નીચે દોડી આવ્યા હતા. છતાં પણ તેમને માથાના ભાગે અને હાથ-પગમાં નાની-મોટી ઈજા થઈ છે. આ પાંચ માળના મકાનમાં અન્ય તેમના સાથી સભ્યો પણ રહેતા હતા. પરંતુ ઘટના બની તે સમયે માત્ર ચોથા માળે એક જ વ્યક્તિ હાજર હતા.
બાજુના ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં રહેતા પરિવારના લોકો બહાર આવી ગયા હતા. ઘરવખરી સહિતનું નુકસાન થયું હતું. ઘર નજીક પાર્ક કરેલી એક કાર અને બે ટુ-વ્હિરને પણ નુકસાન થયું છે. ઇજાગ્રસ્તને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.