Gujarat

ખાંભા-મહુવા હાઇવે પર ધાતરવડી નદી ઉપરનો બ્રિજ અતિજોખમી, વાહલચાલકોમાં અકસ્માતનો ભય

રાજયભરમાં બ્રિજ તૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઇવે ઉપર ભાક્ષી ગામ નજીક ધાતરવડી નદી ઉપર આવેલ બ્રિજ અતિ જોખમી બન્યો છે.

અહીં બ્રિજ વચ્ચે બે ભાગ થયા રીતસર સ્ટેટ હાઇવેના ટુકડા હોવાને કારણે નીચે ધાતરવડી નદી દેખાય રહી છે. આસપાસ ભરડીયા હોવાને કારણે મહાકાય ભારે વાહનો ધમધમી રહ્યા છે. આસપાસના વાહન ચાલકોમાં પણ ભય છવાયો છે.

બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સમારકામ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વધુ જોખમી સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિકો અને આસપાસના લોકોનો આક્ષેપ છે કે, અહીં મોટા ભરડીયા ધમધમતા હોવાને કારણે બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજની હાલત અત્યંત જોખમી બની છે, ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શકયતા છે. સરકાર દ્વારા તાકીદે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

સ્થાનિક હાથીભાઈ ખુમાણએ જણાવ્યું હતું કે, આખો બ્રિજ ધ્રૂજે છે, પુલ આખો પૂરો થય ગયો છે. ભરડીયાના બ્લાસ્ટિંગના કારણે પૂરો થયો છે. તંત્ર કોઈનું ભોગ લે તેની રાહ જોવે છે. ટ્રક નીકળે એટલે આપણે ધ્રુજુયે અહીં ઉભા ઉભા આવી સ્થિતિ છે.

સ્થાનિક બાબુભાઇએ જણાવ્યું હતું કે, ઘાતરવડી નદી પર બ્રિજ આવેોલો છે ત્યાં ભારે વાહનો ચાલે તો આખો પુલ ખભળી ગયો છે. બધે તિરાડો પડી ગઈ છે. તાત્કાલિક તંત્ર કામ કરે ઉભા રહીયો તો બ્રિજ ધ્રૂજે છે. તંત્ર તાત્કાલિક રીપેરીંગ કરે અથવા નવો બનાવે નહિતર અકસ્માત થશે.

આ અંગે રાજુલા આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક ઇજનર અભિજીત સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાક્ષી નજીક ધાતરવડી ઉપર આવેલ બ્રિજ છે, તેમાં સ્ટ્ક્ચરને કોઈ નુકસાન નથી અને 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. અમારા વિભાગ દ્વારા ચેક કર્યું છે, કોઈ જોખકી પણ નથી, એક્સપાન્સ જોઈન્ટ કરવામાં આવશે.