જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીને પ્રોત્સાહન આપી અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન પ્રોજેક્ટે આજરોજ બાળકોનાં ઉજ્જવળ તેમજ સ્વાસ્થ્યવર્ધક ભવિષ્ય માટેનાં ઘણાં વિકલ્પો ખુલ્લા મૂક્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય વન દિવસ ફક્ત એક દિવસનાં વૃક્ષારોપણ સુધી સીમિત ન રહી 365 દિવસ માટે બાળકોમાં વન્યજીવન કેટલું બધું માનવ સમુદાયનાં અસ્તિત્વ માટે જરૂરી છે તેની જાગૃતિ માટે મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકાનાં ફોરેસ્ટર હેતલ ઝાલેન્દ્રને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને વન એ મનુષ્ય જીવન તો શું પરંતુ સમગ્ર સૃષ્ટિ માટે કેટલું બધું જરૂરી છે તે ખૂબ જ સરળ ભાષામાં બાળકોને સમજાવ્યું હતું. આ તકે શાળાનાં મુખ્યશિક્ષકે માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશાબેન ગોપાણીની ઉપસ્થિતિમાં સમગ્ર શાળા પરિવારને તાલુકામાં આવેલી નર્સરીમાં બાળકોનો એક દિવસીય પર્યટનનો પ્રોગ્રામ હોવો જોઈએ તેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
2024 નાં આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ ‘ફોરેસ્ટ એન્ડ ઈનોવેશનઃ ન્યુ સોલ્યુશન્સ ફોર એ બેટર વર્લ્ડ’ એ વિષયને ઉદ્દેશીને અદાણી પ્રોજેક્ટનાં ઉત્થાન સહાયક દ્વારા શાળામાં હવે પછી કયા કયા પગલાં લેવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. જેમાં શહેરમાં રહેતાં વિદ્યાર્થીઓ કે ગામનાં નાનકડા પરા વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીઓ કેવી રીતે વન સંરક્ષણ કરી શકે છે તેની માહિતી પૂરી પાડી હતી.