લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે, જેમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨માં જિલ્લામાં સ્ત્રી – પુરૂષ મતદાન ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા અને ૫૦ ટકાથી ઓછું મતદાન નોંધાયું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરીને આ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વસેડી-૧ મતદાન મથક ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા સ્વીપ નોડલ અલકાબેન વણકર દ્વારા લોકોને મતદાનના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો તથા સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ મતદાનના દિવસે મતદાન કરવાના શપથ લીધા હતા.