Gujarat

પાવીજેતપુર તાલુકાના મોટી બેજ, કુંદાલ, થાલકી અને માગીયા ખાતે ‘ચૂનાવ પાઠશાળા’ યોજાઈ

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ જેમાં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨માં જિલ્લામાં સ્ત્રી – પુરૂષ મતદાન ટકાવારીમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોય તેવા અને ૫૦ ટકાથી ઓછું મતદાન નોંધાયું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરીને આ વિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાવીજેતપુર તાલુકાના મોટી બેજ, કુંદાલ, થાલકી અને માગીયા ખાતે ચુનાવ પાઠશાળા યોજાઈ હતી. જેમાં નાગરિકોને મતનું મહત્વ સમજાવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ટી.પી.ઈ.ઓ.શ્રી કૃષ્ણકાંત કોળી, તાલુકા સ્વીપ નોડલ પી.આર વાઘેલા, આઇ.સી.ડી.એસ.ના કોકીલાબેન, શાળાના આચાર્ય, બી.એલ ઓ., આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ મતદાનના દિવસે મતદાન કરવાના શપથ લીધા હતા.