Gujarat

અંકલેશ્વરની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ કંપનીને વરસાદી પાણીના નિકાલની લાઈનમાં પ્રદુષિત પાણીના નિકાલ બદલ ક્લોઝર નોટિસ

ચોમાસામાં વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણીના નિકાલ બદલ અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ આપી છે. GIDC માં કંપનીને પ્લોટ નં. 3102/C થી 3109/A અને 3103 ખાતે ઉત્પાદન પ્રવૃત્તિ ન કરવા આદેશ અપાયો છે.
અંકલેશ્વર GPCB ના અધિકારી વિજય રાખોલીયાએ કહ્યું હતું કે, GIDC સ્ટ્રોમ વોટર ડ્રેઈન માંથી એકત્ર કરાયેલ નમૂના પછી COD ની ઊંચી માત્રા અને અન્ય દૂષિત પરિબળો સાથે પ્રદુષિત પાણી મળી આવ્યું હતું. કંપનીને તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવા સાથે GPCB એ વીજ અને પાણી જોડાણ કાપવા પણ આદેશ કરતા ચોમસાની મૌસમમાં વરસાદી પાણીમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતા ઉદ્યોગોમાં સોપો પડી ગયો છે.સાથે જ GPCB દ્વારા નિર્ધારિત કરવામાં આવે ત્યારે વચગાળાના પર્યાવરણને થતા નુકસાનનું વળતર જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે ક્લોઝર ઉઠાવતી વખતે પર્યાવરણના પાલનની ખાતરી માટે રૂપિયા ૧૫ લાખની બેંક ગેરંટી સબમિટ કરવાની પણ સૂચના અપાઈ હોવાની માહિતી સામે આવી છે.
ગત બુધવારે સમગ્ર ભરૂચ જીલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે વરસાદી પાણીની લાઈનમાં પ્રદુષિત પાણી ભળ્યુ હોવાનું કંપની સત્તાધીશોએ GPCB સમક્ષ ક્લોઝર બાદ સ્પષ્ટતા કરી છે.
વિરલ ગોહિલ, ભરૂચ